પાવીજેતપુરમાં ગૌરીવ્રતનું ભવ્ય સમાપન: યુવતીઓએ ભક્તિભાવથી માતા ગૌરીને વિદાય સાથે આશીર્વાદ માગ્યાં

       હિન્દુ ધર્મમાં કન્યાઓ અને યુવતીઓ માટે અત્યંત મહત્વ ધરાવતા દસ દિવસીય ગૌરીવ્રતનો આજે ભક્તિભર્યું સમાપન થયુ હતું. સમગ્ર પાવીજેતપુર તાલુકા સહિત આસપાસના ગામોમાં યુવતીઓ અને કિશોરીઓએ અંતિમ દિવસે વિશેષ પૂજા કરીને માતા ગૌરીને વિદાય આપી આશીર્વાદ માંગ્યા હતા. 

            આ ગૌરી વ્રત ખાસ કરીને કન્યાઓ દ્વારા મનપસંદ જીવનસાથી, સાથે સાથે જીવનમાં શાંતિ અને સુખની પ્રાપ્તિ માટે આરંભ કરવામાં આવે છે. દસ દિવસ સુધી ચાલતા આ વ્રત દરમિયાન ઉપવાસ, સચોટ નિત્ય પૂજા, લીમડાના પાન તથા ફૂલોથી શૃંગાર કરેલી માતા ગૌરીની મૂર્તિની આરાધના કરવામાં આવી હતી. અંતિમ દિવસે ભજન-કીર્તન તથા વિધિવત આરતી બાદ વ્રતની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. યુવતીઓએ ઘરોમાં તેમજ મંદિરોમાં સમૂહ આરતી ગાઈ અને પ્રસાદ વિતરણ કરીને ભક્તિભાવ વ્યક્ત કર્યો હતો. 

          ગૌરીવ્રત દરમિયાન દરેક દિવસે અલગ અલગ વિધિ અનુસાર પૂજા કરાય છે. જેમાં વિશેષ દિવસોમાં લીમડાના પાનોથી દાંડી બનાવી ગૌરી માતાને અર્પણ કરવામાં આવે છે. આ વ્રત સંસ્કાર, સન્માર્ગ અને શ્રદ્ધાનું પ્રતિક માનવામાં આવે છે. સ્થાનિક વડીલ મહિલાઓએ જણાવ્યું કે, “આ વ્રતથી યુવતીઓમાં શિસ્ત, ધૈર્ય અને સંસ્કાર ઉત્પન્ન થાય છે. જીવનમાં સંતુલન અને ધર્મપથ પર ચાલી શકવાની પ્રેરણા ગૌરીવ્રત દ્વારા મળે છે.”

       પાવીજેતપુર નગર સહિતના વિસ્તારોમાં ભક્તિભાવ સાથે વ્રત પૂરુ થવાને પગલે આનંદભેર હર્ષનો માહોલ જોવા મળ્યો હતો.