પાવીજેતપુર રેલ્વે સ્ટેશનના પ્રવેશદ્વાર પરના વૃક્ષ ઉપર બેસતા પક્ષીઓના વિસર્જનથી મુસાફરો ત્રાહિમામ
પાવીજેતપુર રેલવે સ્ટેશન ઉપર જવા માટે બનાવેલ દાદર ઉપર આવેલ વૃક્ષ ઉપર બેસતા પક્ષીઓના વિસર્જનથી મુસાફરો ત્રાહિમામ પોકારી રહ્યા છે.
છોટાઉદેપુર જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી રેલવે જ એક માત્ર સીધા સંપર્કનું સાધન બની ગયું છે ત્યારે હજારોની સંખ્યામાં લોકો આ રેલવે ટ્રેનનો ઉપયોગ કરી રહ્યા છે. પાવીજેતપુર રેલવે સ્ટેશન ઉપર પ્રવેશવા માટે દાદર બનાવેલો હોય, એજ દાદર ની નજીક મોટું વૃક્ષ આવેલું છે જે વૃક્ષ ઉપર મોટી સંખ્યામાં પક્ષીઓ બેસે છે અને પક્ષીઓના વિસર્જનથી નીચેથી પસાર થતા મુસાફરોના કપડાં બગડી રહ્યા છે. સ્વાભાવિક રીતે જ બહારગામ જતા હોય ત્યારે નવા કપડાં મુસાફરો એ પહેર્યા હોય જે ઘણીવાર તો બગડી જતા તાત્કાલિક ઘરે જઈને કપડાં બદલીને આવવું પડે છે. પાવીજેતપુરના રહીશો, આજુબાજુ ગામડાના રહીશો તેમજ રોજ અપડાઉન કરતા મુસાફરો હેરાન પરેશાન થઈ જવા પામ્યા છે. આ પક્ષીઓના વિસર્જનના ત્રાસના કારણે કેટલી વાર મુસાફરો દાદરની બાજુ પર પથ્થરથી બનાવેલો સ્લોપ આવેલો હોય જેની ઉપર જીવના જોખમે ચડે અને ઉતરે છે ત્યારે તંત્ર આ વૃક્ષની ડાળીઓને છાંટીને દાદર ઉપર પક્ષીઓ વિસર્જન ન કરે તેવું આયોજન કરે તેવી જનતાની બુલંદ માંગ ઉઠવા પામી છે. દાદર ઉપર આવેલ વૃક્ષના ઉપર બેસતા પક્ષીઓના વિસર્જન ના કારણે આ દાદર ની આજુબાજુ પણ ગંદકી ખૂબ વધી જવા પામી છે એક તરફ ચોમાસુ ચાલી રહ્યું છે અને બીજી બાજુ પક્ષીઓ દ્વારા ગંદકીમાં વધારો કરવામાં આવી રહ્યો છે ત્યારે તંત્ર આ અંગે યુદ્ધના ધોરણે ઘટતું કરી પાવીજેતપુર રેલવે સ્ટેશન ઉપર આવતા મુસાફરોને ગંદકીમાંથી મુક્તિ અપાવે તેવી બુલંદ માંગ ઉઠી રહી છે.
આમ, પાવીજેતપુર રેલવે સ્ટેશનના દાદર ઉપર આવેલ વૃક્ષ ઉપર બેસતા પક્ષીઓના વિસર્જનથી લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે ત્યારે તંત્ર આ ત્રાસમાંથી છુટકારો અપાવે એવી મુસાફરની બુલંદ માંગ ઉઠી છે.