બનાસકાંઠા જીલ્લાના ડીસા-રાણપુર રોડ પર એક દુર્ઘટના સામે આવી છે. દાંતીવાડા તાલુકાના ગોઢ ગામના 20 વર્ષીય અમિત પ્રવિણભાઇ ઠાકોર બુલેટ પર સવાર હતા. રાત્રિના સમયે રોડ પર નવનિર્મિત રીફ્રેશ રોડમાં બનાવેલો બમ્પ સ્પષ્ટ દેખાતો ન હતો.

અમિતનું બુલેટ જમ્પ પરથી પસાર થતી વખતે અચાનક સ્લીપ ખાઇ ગયું હતું. આ અકસ્માતમાં તેઓ રોડ પર પટકાયા અને ગંભીર ઇજાઓને કારણે ઘટનાસ્થળે જ તેમનું મોત નિપજ્યું હતું. 

આ ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો અને પોલીસ તુરંત જ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ દુર્ઘટનાથી ગોઢ ગામ અને ઠાકોર પરિવારમાં શોકની લાગણી છવાઇ ગઇ છે.

રાત્રિના સમયે રોડ પર જમ્પ અને અન્ય અવરોધો સ્પષ્ટ ન દેખાવાને કારણે થતાં અકસ્માતો અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.