તળાજા શહેરમાં રોયલ ચોકડી નજીક આવેલી તાલુકાની એકમાત્ર સરકારી આઈ.ટી.આઈ કોલેજ ખાતે એડમિશન પ્રક્રિયા શરૂ થઈ ગયેલ છે જે માટે સંસ્થા ખાતે ચાલતા વિવિધ ટેકનીકલ અભ્યાસક્રમો જેવા કે ઇલેક્ટ્રિશ્યન,ફીટર, મિકેનિક ડીઝલ, કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ(કોપા), પ્લમ્બર અને વેલ્ડરના કોર્સમાં એડમિશન લેવા પ્રથમ રાઉન્ડ માટે તારીખ 30 જુન સુધી ફોર્મ ભરી શકાશે. ગત વર્ષે આઈટીઆઈમાં 268 બેઠકો સામે 600 થી વધુ ફોર્મ ભરાયેલ જેથી આ વર્ષે પ્રવેશ મેળવવા ઈચ્છુક વિદ્યાર્થીઓને આઈ.ટી.આઈ ખાતે જ ફ્રીમાં ફોર્મ ભરી આપવાનું આયોજન ગોઠવેલ છે. બહેનો માટે દરેક કોર્સ વિનામૂલ્યે શીખવવામાં આવશે. જ્યારે ભાઈઓ માટે માસિક માત્ર ૧૦૦ રૂપિયા ફી હોઈ છે. ITI માં ૨ વર્ષનો કોર્સ કરવાથી ITI સાથે સાથે ૧૨ સમકક્ષનું પ્રમાણપત્ર પણ આપવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા ત્રણ વર્ષમાં જ આઈટીઆઈમાંથી 1500 થી વધુ યુવાનોને નોકરી આપવામાં આવી છે જેમાં મારુતિ સુઝુકી, ટાટા, અદાણી સોલાર જેવી નામાંકિત કંપનીઓએ પ્લેસમેન્ટ માટે આવી 15 થી 25 હજારના પગારની ઓફર કરેલ છે જે સમગ્ર તાલુકા માટે ગૌરવ સમાન છે તો તળાજા તાલુકાના વધુમાં વધુ યુવાનોને ટેકનિકલ કોર્સ કરી ઝડપથી કમાતા થઈ પોતાના પગભર થવા ખાસ અનુરોધ છે
 
  
  
  
   
  