ડીસા તાલુકાના જાવલ ગામે ખેતરમાં સૂઇ રહેલા ખેડૂતની તીક્ષ્ણ હથિયારથી હત્યા કરતાં ચકચાર મચી ગઇ છે. ખેડૂત રાત્રે સાડા નવ વાગ્યે પોતાના ખેતરમાં સૂવા ગયા હતા. સવારે મૃતદેહ મળ્યો હતો.
માથામાં, જમણા કાન, ગળા અને છાતી પર ઘા મારવામાં આવ્યા હતા. હત્યામાં તીક્ષ્ણ હથિયારનો ઉપયોગ થયો હતો. ડીસા તાલુકાના જાવલ ગામનાં ખેડૂત ગણેશભાઇ જેઠાભાઇ પટેલ શુક્રવારની રાત્રે સાડા નવ વાગ્યે ખેતરમાં સૂવા ગયા હતા.
સવારે છ વાગ્યે તેમના ભત્રીજા ઇશ્વરભાઇ દેવરાજભાઇ પટેલને ભાભી સીતાબેને ફોન કરીને જણાવ્યું હતું કે, ગણેશકાકાને વાગ્યું છે, તરત ખેતરે આવો. ઇશ્વરભાઇ ખેતરે પહોંચ્યા ત્યારે ગણેશભાઇ ખાટલામાં મૃત હાલતમાં મળ્યા હતા.
તેમના માથા, જમણા કાન, ગળા અને છાતી પર તીક્ષ્ણ હથિયારના ઘા મારવામાં આવ્યા હતા અને બોડી લોહી નીકળીને ગંઠાઇ ગયું હતું.
પરિવાર અને આગેવાનો ખેતરે આવ્યા બાદ ડીસા તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી અને મૃતકના કુટુંબીક ભાઇ ઇશ્વરભાઇ દેવરાજભાઇ પટેલે ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.