ડીસા શહેરમાં બગીચાથી એસ. સી. ડબલ્યુ હાઇસ્કૂલ રોડ પર લક્ષ્મીનારાયણ સોસાયટી પાસે આવેલી બિલ્ડીંગમાં આગની ઘટના સામે આવી છે. નીચેના માળે આવેલી નિશા કોટન વર્ક નામની ગાદલા અને રજાઇની દુકાનમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી.
આગના કારણે દુકાનમાં ધૂમાડાના ગોટે ગોટા ફેલાયા હતા. ઉપરના માળે આવેલા વૃદ્ધાશ્રમમાં રહેતાં વૃદ્ધોમાં અફરા-તફરી મચી ગઇ હતી. ડીસા પાલિકાના ફાયર-ફાઇટર તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ફાયર વિભાગના કર્મચારી નરેશ પરમાર મુજબ આગ લાગવાનું કારણ હજુ જાણી શકાયું નથી.
વૃદ્ધાશ્રમના સંચાલક આશાબેને જણાવ્યા મુજબ દુકાનમાંથી નીકળતાં ધૂમાડાથી વૃદ્ધોને શ્વાસ લેવામાં તકલીફ થઇ રહી હતી. જે વૃદ્ધો ચાલી શકે તેમ હતા તેમને પકડીને નીચે લાવવામાં આવ્યા હતા. જે વૃદ્ધો ચાલી શકતા ન હતા તેમને લોકોએ ઉંચકીને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા.
ડીસા પાલિકાના ફાયર વિભાગે સમયસર પહોંચીને આગ પર કાબૂ મેળવી લીધો હતો. આ ઘટનામાં કોઇ જાનહાની થઇ નથી. હાલમાં આગ લાગવાના કારણની તપાસ ચાલી રહી છે. તમામ વૃદ્ધો સલામત હોવાના સમાચારથી લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.