ડીસા તાલુકાના રાણપુર વાસમાં રહેતાં રાજુભાઇ મોબાતાજી વાલ્મીકી શનિવારે સવારે ગલ્લા તરફ જઇ રહ્યા હતા. ત્યારે તેમના કાકાના દીકરા અજાભાઇ જામાભાઇ વાલ્મીકીએ રૂ. 50 ની માંગણી કરી હતી.
રૂપિયા ન હોવાથી રાજુભાઇએ ના પાડી હતી. આથી અજાભાઇ ઉશ્કેરાઇ ગયા હતા. તેમણે અપશબ્દો બોલવાનું શરૂ કર્યું હતું. રાજુભાઇએ અપશબ્દો ન બોલવા કહ્યું તો અજાભાઇ ગુસ્સે ભરાયા હતા. કુહાડી લાવીને રાજુભાઇના માથા પર માર્યો હતો.
રાજુભાઇની ચીસો સાંભળીને તેમના પિતા મોબાતાભાઇ અને મોટાભાઇ અલ્પેશભાઇ દોડી આવ્યા હતા. બંનેએ રાજુભાઇને વધુ મારથી બચાવ્યા હતા. હુમલા બાદ અજાભાઇએ રાજુભાઇને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. રાજુભાઇને તેમના પિતા અને ભાઇ ડીસા સિવિલ હોસ્પિટલમાં લઇ ગયા હતા. તેઓએ ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.