થરાદ સ્ટેટ સાયબર ક્રાઇમ સેલ સી.આઇ.ડી. ક્રાઇમ ગાંધીનગર દ્વારા ઇન્સસ્ટાગ્રામ એપ્લીકેશન પર લોકોને ઓનલાઇન ગેમીંગ એપ્લીકેશનના કોઇન સસ્તા ભાવમાં આપવાની લોભામણી જાહરાતો અને પોસ્ટ અપલોડ કરી અલગ અલગ 21 રાજ્યના લોકો પાસેથી કોઇન ખરીદવાના નામે નાણા મેળવી સાયબરફ્રોડ કરતી ટોળકીની ધરપકડ કરી હતી.

સાયબર ઇન્વેસ્ટીગેશન યુનીટને NCCRP પોર્ટલ પર સર્ચ કરતા શંકાસ્પદ મોબાઈલ નંબર વાળા પર મહારાષ્ટ્રા,વેસ્ટ બેંગાલ,કર્ણાટક, ઉત્તર પ્રદેશ અને હરીયાણાથી ફરિયાદ અરજી મળી હતી.જેમાં મોબાઇલ નંબરોના લોકેશન પાલનપુર નિધી બંગ્લોઝ સોસાયટીના બંગ્લોઝના હતા જ્યાં રેડ કરી દેશવ્યાપી નેટવર્ક ચલાવતા 7 યુવકોને ઝડપી પાડ્યા હતા. આરોપીઓના 25 બેંક ખાતાઓમાં 2024–25 ના વર્ષમાં કુલ રૂ. 2,11, 92,318 જમા થયા હોવાનું સામે આવ્યું છે.

મોટાભાગના યુવકો કોલેજમાં અભ્યાસ કરતા હતા. પરિવારજનોને જણાવ્યું હતું કે, તેઓ પાલનપુર અને પાટણમાં અભ્યાસ માટે ગયા હતા. ઝડપાયેલા 7 યુવકો થરાદ તાલુકાના જુદા જુદા ગામોના છે.સેધાભાઈ કાજાભાઈ ચૌધરી અને નરસિંહભાઈ જીવરાજભાઈ ચૌધરી કુંભારડી ગામના છે. બંને ખેતી કરતા ગરીબ પરિવારમાંથી છે. બંને પાલનપુરમાં અભ્યાસ કરતા હતા. સુરેશભાઈ ઈશ્વરભાઈ ચૌધરી લોઢનોર ગામનો છે. પાટણ ખાતે કોલેજ કરતો હતો. તેના પિતા ઈશ્વરભાઈ ગામની ડેરીના ચેરમેન છે. ગામના આગેવાનોએ જણાવ્યું કે લોભામણી લાલચ કે મિત્રતામાં ફસાયા હોય તેવું લાગી રહ્યું છે.

પરિવાર સુખી છે, આવા કામમાં સંડોવાય તેવું લાગતું નથી.રાહુલકુમાર વજેસિંહભાઈ ચૌધરી પાતીયાસરા ગામનો છે.અભ્યાસ માટે પાલનપુર રહેતો હતો. તેનો પરિવાર ખેતી સાથે સંકળાયેલો છે. અભ્યાસ કરવા માટે મકાન ભાડે આપ્યું હતુ : મકાન માલિક પાલનપુર તાલુકાના સલ્લા ગામમાં રહેતા મકાન માલિક પ્રકાશભાઈએ જણાવ્યું કે " બિલ્ડીંગ કન્સ્ટ્રક્શનમાં વ્યવસાય કરતા અંકિતભાઈના કહેવાથી મેં અભ્યાસ કરવા માટે વિદ્યાર્થીઓ હોવાનું જાણીને પાંચ મહિનાથી 14 હજારના ભાડે આપ્યું હતું પાલનપુરના નિધિ બંગ્લોઝમાં 1લા નંબરના બંગલામાં રેકેટ ચાલતું હતું.ઝડપાયેલા આ 7 આરોપીઓ સામે કાર્યવાહી હાથ ધરી હતી.

ત્રણથી ચાર મહિનાથી રહેતા હતા અંદર શું કરતા હતા કોઈને ખબર નહોતી પાલનપુરના નિધિ બંગ્લોઝમાં આ એક નંબરના બંગલોમાં સમગ્ર નેટવર્ક ચાલતું હતું. મહિને 14 હજાર ભાડામાં પાલનપુર તાલુકાના સલ્લા ગામના મકાનમાલિકે સોસાયટી રહીશોના વિરોધ વચ્ચે મકાન ભાડે આપી દીધું હતું, સ્થાનિકોના જણાવ્યા મુજબ "આ મકાનમાં રોજ છ થી સાત યુવાનો બાઈક લઈને આવતા આખો દિવસ રહેતા. ત્રણથી ચાર મહિનાથી ભાડે ચાલતું હતું. અંદર શું કરતા હતા કોઈને ખબર નહોતી. જ્યારે મકાનમાં પહોંચ્યું ત્યારે મકાન બંધ હતું. બધા યુવકોના મોંઘાદાટ શુઝ બહાર પડ્યા હતા."

 યુવકો મોઘીદાટ કાર અને લાખો રૂપિયાની કિંમતની બાઇકોના શોખીન ભણવાના નામે મકાન લઈને દેશભરના ઇન્સ્ટાગ્રામ પર ગેમિંગ રમતા લોકોને છેતરવા માટે નીકળેલા થરાદના નાનકડા ગામોના યુવકોએ ટૂંકા ગાળામાં કરોડો રૂપિયા ભેગા કરી લીધા હતા. જેનાથી પોતાના શોખમોજ પૂરા કરવા ઉપરાંત મોંઘી દાટ કાર અને મોંઘા બાઇક લઈને સોસાયટીમાં અવરજવર કરતા હતા જેના લીધે સોસાયટીના લોકોને પણ અવાર-નવાર તેમના ઉપર શંકા જતી હતી.