બનાસકાંઠા જીલ્લામાં પશુ કલ્યાણ ક્ષેત્રે એક મહત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું છે. જીલ્લા કલેકટર મીહીર પટેલ અને પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાએ રાજપુર પાંજરાપોળ-ડીસાને વર્ષ-2024-25 માટે રૂ. 48,72,150 નો ચેક અર્પણ કર્યો છે.

બનાસકાંઠા જીલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી, જીવદયા પ્રેમીઓ અને જીલ્લા પોલીસના સંયુક્ત પ્રયાસોથી કતલખાને જતાં પશુઓને બચાવવામાં આવે છે. આ બચાવાયેલા પશુઓને રાજપુર પાંજરાપોળમાં આશ્રય આપવામાં આવે છે. ગુજરાત પ્રાણી કલ્યાણ બોર્ડ દ્વારા આ પશુઓના નિભાવ માટે ગ્રાન્ટ ફાળવવામાં આવે છે.

પાંજરાપોળના ટ્રસ્ટી ભરતભાઇ વારીયા અને જગદીશભાઇ એચ. સોલંકીને ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. સંસ્થા દ્વારા પશુઓને આશ્રય, ખોરાક અને સારવારની સુવિધા પૂરી પાડવામાં આવે છે.

નાયબ પશુપાલન નિયામક ડૉ.એમ.એ.ગામી, પશુ ચિકીત્સા અધિકારી ડૉ.આનંદ આર.મનવર અને સોસાયટીની સમગ્ર ટીમ દ્વારા જીવદયા અને પ્રાણી કલ્યાણના વિવિધ કાર્યક્રમો પણ યોજવામાં આવે છે.