અમીરગઢ તાલુકાના રબારીયા ગામે જમીનના વિવાદમાં ભત્રીજાએ મોટાબાપાની લાકડીઓથી હત્યા કરી હતી. ભત્રીજા નાથાભાઈ ખરાડી, તેની પત્ની ગલબીબેન અને દીકરી નીતાબેનની અમીરગઢ પોલીસે અટકાયત કરી છે.
રતાભાઈ નાનાભાઈ ખરાડી રબારીયા ગામે રહેતા હતા. 30 જૂનના રોજ સવારે તેમના ઘરની બહાર નાથાભાઈ, ગલબીબેન અને નીતાબેન લાકડીઓ લઈને આવ્યા હતા.
તેઓએ રતાભાઈને કહ્યું કે, તેમના પિતાના ભાગે ઓછી જમીન છે અને રતાભાઈના ભાગે વધારે છે. જમીન સરખી વહેંચવાની માગણી કરી હતી. રતાભાઈએ જવાબ આપ્યો કે જમીન યોગ્ય રીતે વહેંચાઈ છે. આ સાંભળીને ત્રણેય ઉશ્કેરાઈ ગયા હતા. રતાભાઈને ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.
ત્યારબાદ લાકડીઓ વડે માથું, હાથ, પગ, છાતી સહિત શરીરના ભાગે આડેધડ માર માર્યો હતો. ગંભીર ઈજાઓના કારણે રતાભાઈનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.ઘટનાની જાણ થતાં મદદનીશ પોલીસ અધિક્ષક સુમન નાલા તાત્કાલિક પાલનપુર સિવિલ હોસ્પિટલ અને ઘટનાસ્થળે પહોંચ્યા હતા.
પી. આઇ.એસ.કે. પરમારએ અલગ અલગ ટીમો બનાવી રબારીયા ગામની સીમમાં નાઈટ કોમ્બિંગ કર્યું હતું. આરોપીઓના સગા-સંબંધીઓની પૂછપરછ કરી હતી. મોબાઈલ નંબર મેળવી ટેકનિકલ તપાસ શરૂ કરી હતી.આરોપીઓ મોબાઈલ બંધ કરી જંગલમાં છુપાઈ ગયા હતા. પોલીસે ડુંગરા ખૂંદી ગણતરીના કલાકોમાં ત્રણેયને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ઝડપાયેલા આરોપી નાથાભાઈ કેશાભાઈ ખરાડી ગલબીબેન (નાથાભાઈના પત્ની) નીતાબેન ( નાથાભાઈના દીકરી) (તમામ રહે.રબારીયા)