એક સમયમાં વિશ્વ સ્તરે ધમધમતું ખંભાતનું બંદર કાંપ પુરાણને લઇ દૂર ચાલ્યું ગયું હતું.ત્યારબાદ ખંભાત બંદરની જાહોજલાલી પડી ભાંગી પડી હતી.72 દેશોના વાવટા ફરકતા બંદર ખંભાતીઓ માટે દિવાસ્વપ્નમાં ફેરવાઈ ગયું છે.હાલ તાપમાનમાં એકાએક ફેરફારની અસર દરિયામાં વર્તાઈ છે.જેને કારણે દરિયાના પાણીએ વ્હેણ બદલતા ભરતી સાથે ભેખડો ધસી પડી છે.પાણીના વહેણ સાથે દરિયાઈ પટ્ટી વિસ્તારમાં 30 ફૂટથી વધુ ઊંડું ધોવાણ થયું છે.જેને કારણે દરિયો રહેલ સ્થિતિથી 5 કિ.મી નજીક આવ્યો છે.જેને લઇ ખંભાતીઓમાં પુનઃ બંદર અંગેની ચર્ચાઓ જીવંત બની છે.
ખંભાત દરિયાઈ અખાતમાં તાપમાન ફેરફાર અસર વર્તાઈ છે.જેથી દરિયામાં ભરતી સમયે પાણીના વહેણ બદલાતા દરિયો શહેર તરફ આવી રહ્યો છે.રોજે રોજ ભરતી અને ઓટ સમયે ભેખડો ઘસી રહી છે.ભેખડો ઘસાતા 30 ફૂટ ઊંડાઈમાં પાણીના સ્ત્રોત વહી રહ્યા છે.જેને કારણે પ્રાંત અધિકારી કુંજલ શાહ, મામલતદાર મનીષભાઈ ભોઈ, પાલિકા પ્રમુખ દિગ્વિજયસિંહ પરમાર અને ચીફ ઓફિસર કૃણાલ પટેલે સ્થળ નિરીક્ષણ કર્યું હતું.અને તંત્ર દ્વારા સાવધાનીના ભાગરૂપે સૂચના બોર્ડ લગાવવા આવ્યા છે તેમજ તટ સુરક્ષા તૈનાત કરાઈ છે.
પાલિકા પમુખ દિગ્વિજયસિંહ પરમારે જણાવ્યું હતું, તટ સુરક્ષા દળના જવાનો દ્વારા દરિયામાં પાણીના વ્હેણ બદલાતા એકાએક દરિયાઈ પટ્ટીમાં ભેખડો ધસી રહી છે તેવી જાણ થઈ હતી.જે બાદ સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.અને દરિયા તરફ પ્રવાસીઓ ન જાય તે હેતુસર સાવધાનીના ભાગરૂપે સાઈન બોર્ડ ઊભા કરાયા છે.વધુમાં તટ સુરક્ષા તૈનાત કરાઈ છે.વધુમાં આગામી દિવસોમાં પણ ભરતીને ભેખડો પડવાની શક્યતાઓને લઇ દરિયા તરફ ન જવા ખાસ અપીલ કરાઈ છે.માછીમારોને પણ એલર્ટ કરાયા છે.
ખંભાતના અખાતીય વિસ્તારમાં દરિયાઇ ભરતીને લઇ જમીન ધોવાણ થતું હોવાની વિગતો પ્રકાશમાં આવી છે.તાજેતરમાં જીયોલોજીકલ સર્વે હાથ ધર્યો હતો.જેમાં ખંભાતના અખાતમાં મળતી મહી નદીના ધોવાણથી ૧૮ હજાર હેકટર જમીનને નુકશાન પહોચ્યું હતું.તેમજ તાલુકાના ૭૦ થી વધુ ગામોની દરિયા કિનારાની જમીન કોતરોમાં ફેરવાઈ ગઈ હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી હતી.
(તસવીર : સલમાન પઠાણ - ખંભાત)