સુરત બાદ ખંભાતમાં પણ લોકહિતના કરોડોના સરકારી પ્રોજેક્ટને અટકાવવા ખોટી અરજી કરી અંતે ખંડણી માંગતો કિસ્સો સામે આવ્યો છે.2 લાખ આપો નહિ તો તમે કરોડોનો ભ્રષ્ટાચાર કર્યો હોવાની વિડિયો સોશિયલ મીડિયા તેમજ જાહેરમાં વાયરલ કરી અપમાનિત કરીશું તેમ જણાવી 2 ઈસમોએ ખંડણી માંગ કરી હતી.સરકારી કર્મચારીએ 2 લાખ ન આપતા જાનથી મારી નાખીશું તેવી ધમકી પણ આપી હતી.
પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ, હાલ કાણીસા ગામે ઇન્ચાર્જ તલાટી મંત્રી ફરજ બજાવતા પ્રવિણભાઈ શ્રીમાળીને ઉંદેલ ગામે રહેતા રમેશભાઇ ઈશ્વરભાઈ વણકર અને અજીતભાઈ સોલંકી એ કાણીસા ગામના રસ્તા વચ્ચે ઉભા રાખ્યા હતા.અને કહ્યું હતું કે, 2 લાખ રૂપિયા આપો, નહિ તો તમે કરોડોના ભ્રષ્ટાચાર કરો છો તે અંગેની વિડિયો જાહેરમાં તેમજ સોશિયલ મીડિયામાં વાયરલ કરી જાહેરમાં અપમાન કરીશું તેવી ધમકી આપી હતી.જેથી તલાટીએ કહ્યું હતું કે, ભૂવેલ ગામે 42 ગામોને પીવાના શુદ્ધ પાણીનો સરકારી પ્રોજેક્ટ માટે નીતિનિયમો અને જી.આર મુજબ જમીન ફાળવી છે.જેમાં કોઈ પણ પ્રકારનો ભ્રષ્ટાચાર કર્યો નથી.હું 2 લાખ રૂપિયા આપીશ નહિ.ત્યારબાદ તેઓએ ઉશ્કેરાઈ જઈ કહ્યું હતું કે, 2 લાખ નહિ આપીયા એટલે હવે જો તું કેમનો નોકરી કરું છું.તારી ભ્રષ્ટાચારની વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરી અપમાનિત કરી પ્રતિષ્ઠાને નુકશાન પહોંચાડીશું.તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.ત્યારબાદ ભુવેલ ગ્રામ પંચાયતના વોટ્સએપ ગ્રુપમાં અજીતભાઈ સોલંકીએ વીડિયોની લિંક વાયરલ કરી હતી.જેને સરકારી કર્મચારી તલાટીને સંબોધીને રોનક એન્ટરપ્રાઇઝ ઉંદેલ રાઠોડ નામના ફેસબુક પર રમેશ વણકરે પુરાવા વિના ભ્રષ્ટાચારના આરોપ લગાવી સરકારી કર્મચારીની પ્રતિષ્ઠાને નુકશાન પહોંચાડ્યું હતું.જેથી તલાટીએ ખંભાત ગ્રામ્ય પોલીસ મથકે ખંડણી માંગ્યા બાદ વિડિયો વાયરલ કરનાર રમેશ ઈશ્વરભાઈ વણકર અને ભુવેલના સભ્ય અજીતભાઈ સોલંકી સામે ફરિયાદ નોંધાવી હતી.
ખંભાત ગ્રામ્ય પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે અને બંને ઇસમોને પકડી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
નોંધનીય છે કે, ખંભાત પંથક સિવાયના કેટલાક લેભાગુ તત્વો દ્વારા ગ્રામ પંચાયતો તેમજ કચેરીઓમાં ખોટી ખોટી આર.ટી.આઇ કરવાની ફરિયાદો ઉઠી છે.હાલ પોલીસ વિભાગે પણ આવા તત્વો સામે ફરિયાદ કરવા અપીલ કરી છે.