પાલનપુર તાલુકાના ચિત્રાસણી પુલ પર ટ્રેલરે બાઇકને ટક્કર મારતા પાલનપુર રેલવે પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા જવાનનું મોત નિપજ્યું હતું. જવાન પાંચ વર્ષ પહેલા અમદાવાદમાં લોકરક્ષક તરીકે ભરતી થયા હતા. અકસ્માત બાદ ટ્રેલર ચાલક ફરાર થઈ ગયો હતો.

પાલનપુર તાલુકાના જસપુરીયા ગામના સંજયભાઈ ધુડાભાઈ ગાડરીયા પાલનપુર રેલવે પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા. તેઓ રવિવારે બપોરે નોકરી પૂરી કરીને બાઈક નં. જીજે-08-એએમ-6896 લઈને ધેર આવી રહ્યા હતા.

ત્યારે પાલનપુરના ચિત્રાસણી પુલ પર રાજસ્થાન તરફથી આવતા ટ્રેલર નં. આરજે-37-જીબી-2905 નાં ચાલકે પોતાનું ટ્રેલર પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી સંજયભાઈનાં બાઈકને ટક્કર મારી હતી.જેથી સંજયભાઈ નિચે પટકાયા હતા.અને શરીરે ગંભીર ઈજાઓ થઈ હતી.જેમને ખાનગી વાહન દ્વારા પાલનપુરની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.જ્યાં ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા.

સંજયભાઈ પાંચ વર્ષ પહેલા અમદાવાદમાં લોકરક્ષક તરીકે ભરતી થયા હતા. હાલ એક વર્ષથી પાલનપુર રેલવે પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા. અકસ્માત અંગે મૃતકના કાકા જીતુભાઈ ગોવિંદભાઈ ગાડરીયાએ રવિવારે પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.આથી પોલીસે ફરિયાદ નોંધાવી હતી.