ડીસા શહેરના કાંટ રોડ પરના સર્વે નં. 59 ની જમીનમાં દાંતીવાડા સિંચાઇ યોજનાની કેનાલના સાઇફન પર તેમજ અરજદારની જમીનમાં દબાણ કરી અમી સોસાયટી બનાવવાના વિવાદમાં નગરપાલિકા દ્વારા ડી.આઇ.એલ.આર. કચેરીના અભિપ્રાયના આધારે સોસાયટીનો લે-આઉટ પ્લાન રદ કરવામાં આવ્યો છે. જ્યારે ડી.આઇ.એલ.આર. કચેરી દ્વારા પણ જૂદા-જૂદા પ્લોટોમાં રજીસ્ટર દસ્તાવેજના આધારે પાડવામાં આવેલી 3 નોંધ દબાણના કારણોસર નામંજૂર કરવાનો હુકમ કરવામાં આવ્યો છે. જેના પગલે અહીં તૈયાર ઉભેલા કરોડોના 12 બંગલા પર આવનાર દિવસોમાં બુલડોઝર ફરી વળે તેવી શકયતા પણ સેવાઇ રહી છે.
ડીસા નગરપાલિકા વિસ્તારમાં સર્વે નં. 59 માં અરજદાર મહેશભાઇ પઢિયારની જમીનમાં તેમજ દાંતીવાડા સિંચાઇની હાલમાં બંધ પડેલ નહેર પર બાંધકામને લઇને વિવાદ ચાલી રહ્યો છે. જોકે, પોતાની જગ્યામાં દબાણ થયું હોવાથી તે જગ્યાના અરજદાર મહેશભાઇ પઢિયારે પોતાની રીતે છેક સુધી લડત ચલાવી આ જગ્યાની બે અલગ-અલગ માપણી સીટો બનાવેલી હોઇ ડી.આઇ.એલ.આર. કચેરી દ્વારા ફરીથી માપણી કરાવતાં પોતાની તેમજ કેનાલની જગ્યામાં બિલ્ડરોએ દબાણ કર્યું હોવાનું જેતે વખતે સાબિત થયું હતું. જેથી આ બાબતે તેઓએ નગરપાલિકામાં સોસાયટીનો લે-આઉટ પ્લાન રદ કરવાની અરજ કરી હતી. જેથી નગરપાલિકા દ્વારા ડી.આઇ.એલ.આર. કચેરીના અભિપ્રાયના આધારે સોસાયટીનો લે-આઉટ પ્લાન રદ કરવાનો આદેશ કર્યો છે.
આ ઉપરાંત ડી.આઇ.એલ.આર. કચેરી દ્વારા પણ આ વિવાદવાળી જગ્યામાં ત્રણ મિલ્કતદારો કનુભાઇ મુળાભાઇ ચાવડા, કરશનભાઇ જગમાલભાઇ જાદવ અને લાધુભાઇ જગમાલભાઇ જાદવની મિલ્કતમાં રજીસ્ટર દસ્તાવેજના આધારે પાડવામાં આવેલ નોંધ નં. 17616 થી 17618 દબાણના કારણોસર નામંજૂર કરવાનો આદેશ કર્યો હતો.
આ અંગે ચીફ ઓફીસર ગૌરાંગ પટેલે જણાવ્યું હતું કે, આ જગ્યાની માપણી સીટો સંદિગ્ધ જણાતાં ડી.આઇ.એલ.આર. કચેરીના અભિપ્રાયના આધારે તેઓને નોટીસ અપાઇ હતી. જેમાં તેઓએ આપેલો જવાબ ગ્રાહ્ય રાખી શકાય તેમ ન હોવાથી લે-આઉટ પ્લાન રદ કરવામાં આવ્યો છે. હવે તેઓ કોર્ટનો સહારો લઇ શકે છે તેમજ લે-આઉટ પ્લાન રદ થતાં મિલ્કત ધારકોને પણ અસર થઇ શકે છે.
ડીસામાં પાછલા કેટલાંક વર્ષોથી ખેતીની જમીનને બીન ખેતીમાં ફેરવી રહેણાંક મકાનોની સ્કીમો બનાવવાનું કામ ચાલી રહ્યું છે. જેમાં ડીસાના ત્રણેક બિલ્ડરોએ ભેગા મળીને દાંતીવાડા નહેર અને અરજદાર બંનેની નજીક આવેલી જગ્યામાં રોકાણ કર્યું અને હવે ફસાવવાનો વારો આવી ગયો છે. ઉભી થયેલી પરિસ્થિતિના લીધે 12 બંગલા બાબતે કોર્ટમાં જઇને સમગ્ર બાબત પડકારવી પડે તેવી સ્થિતિ ઉભી થઇ છે. અન્યથા આગામી સમયમાં 12 બંગલા પર જોખમ ઉભું થશે.