એસ.ઓ.જી.ની ટીમે રાજસ્થાનથી નશીલા પદાર્થ આવી રહ્યાની બાતમીના આધારે ખેમાણા ટોલનાકા પાસે લક્ઝરી બસને અટકાવી તપાસ કરતાં બસમાંથી 29.658 કિલો ગાંજો અને 4.401 કિલો અફીણનો રસ મળી આવ્યો હતો. બસના ડ્રાઇવર અને કંડક્ટરને ઝડપી લેવામાં આવ્યા હતા. બંનેએ રાજસ્થાનથી ગાંજો અને અફીણનો રસ બેંગ્લોર લઇ જવાના હોવાની કબૂલાત કરી હતી.

એસ.ઓ.જી.એ બાતમીના આધારે ડ્રગ્સના વેપારીઓને ઝડપી લેવા પ્રયાસ હાથ ધરાયા હતા. એસ.ઓ.જી. પી.આઇ.એચ.બી. ધાંધલ્યાને ખાનગી રાહે મળેલ બાતમીના આધારે રાજસ્થાનથી ગુજરાત તરફ આવી રહેલી એમ.આર. ટ્રાવેલ્સની લકઝરી બસ નં. એઆર-11-ઇ-5721 ને પાલનપુર નજીક ખેમાણા ટોલનાકા પાસે એસ.ઓ.જી.ની ટીમે રોકી તલાશી લેતા તેમાંથી રૂ. 5800 રોકડા, રૂ. 4,40,100 ની કિંમતનો 4.401 કિલો અફીણનો રસ અને રૂ. 2,96,580 ની કિંમતનો 29.658 કિલો ગાંજો મળી આવ્યો હતો. પોલીસે રૂ. 7,57,480 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

બસના ડ્રાઇવર અને કંડક્ટરની પૂછપરછ કરતાં તેઓએ આ જથ્થો રાજસ્થાનથી બેંગ્લોર લઇ જવાનો હોવાની કબૂલાત કરી હતી. પોલીસે ડ્રાઇવર રામનિવાસ ખીયારામજી બિષ્નોઇ (રહે. વિષ્ણુનગર વીરાવા, જાલોર, સાંચોર) કંડક્ટર શંભુસિંહ ચેલસિંહ રાજપૂત (રહે. કોટવાલા તા.સાયલા,જી.જાલોર) અને ક્લીનર મહેન્દ્ર ચેનારામ જાટ(રહે. ખોખચર પશ્ચિમ, તા.ગેડા,જી.બાલોતરા) સામે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.