ડીસામાં શુક્રવારે પોતાને એલ.સી.બી. પોલીસ કર્મી ગણાવી વાહન ચાલકો પાસેથી નાણાં પડાવતાં શખ્સને અસલી પોલીસે ઝડપી લીધો હતો. ગેરકાયદે નાણાં લીધા પછી રીક્ષા ચાલકને શક જતાં પોલીસને બોલાવી હતી. જ્યાં નકલી પોલીસ કર્મીનો ભાંડો ફૂટયો હતો.

ડીસાની બજારમાં શુક્રવારે કાળા કાચની અને નંબર પ્લેટ વગરની કાર લઇને એક શખ્સ ફરતો હતો. જે પોતે એલ.સી.બી.નો પોલીસ કર્મચારી હોવાની ઓળખ આપી રોફ જમાવતો હતો. જેણે ડીસા બ્રિજ પાસે હોન્ડા શો-રૂમ આગળ વાહનો રોકીને વાહન ચાલકોના કાગળો માંગ્યા હતા.

જેમાં લોડીંગ રીક્ષા ચાલક ડીસા વાડી રોડ પર રહેતાં અર્જુનભાઇ નરસિંહભાઇ જોષી પાસેથી રૂ. 3,000 ની માંગણી કરી હતી. તેમજ તું દર મહીને હપ્તા કેમ નથી આપતો તેમ કહી અપશબ્દો ઉચ્ચારી રૂ. 1,000 પડાવ્યા હતા. તેમજ અન્ય રીક્ષા ચાલક પાસેથી પણ રૂ. 2,000 પડાવ્યા હતા.

તે દરમિયાન રીક્ષા ચાલકોને શંકા જતાં તેમણે ડીસા દક્ષિણ પી.આઇ. વી. એમ. ચૌધરીને જાણ કરી હતી. જ્યાં આવેલી પોલીસની ટીમે આ શખ્સને ડીસા ગાયત્રી મંદિર પાસેથી ઝડપી લીધો હતો. જેની પૂછતાછ કરતાં તે પાલનપુર તાલુકાના (ચંડીસર) માળવાપરાનો ડાયાભાઇ અજમલભાઇ ઠાકોર હોવાનું જણાવ્યું હતું. જેની પોલીસે અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.