લખનઉથી ગાંધીધામ ચોખાના કટ્ટા ભરીને એક ટ્રેલર જઇ રહ્યું હતું. ત્યારે ડીસાના વિરોણા નજીક સામેથી આવતાં ટ્રેલરે ટક્કર મારતાં બે ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં એક ટ્રેલર ચાલકનું મોત નિપજ્યું હતું.જ્યારે એક ટ્રેલર ચાલક અકસ્માત સર્જી ટ્રેલર લઇને નાસી ગયો હતો. ડીસા તાલુકા પોલીસ મથકે સામેના ટ્રેલર ચાલક સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
લખનઉથી ગાંધીધામ જતાં ટ્રેલર નં. આરજે-52-જીએ-2819 ને ડીસાના વિરોણા ગામની સીમમાં રવિવારે અકસ્માત નડ્યો હતો. વિઠોદર ગામ તરફના વળાંક પાસે સામેથી આવતી ટ્રેલર નં. આરજે-52-જીએ-5125 ના ચાલકે ગફલતભરી રીતે ટ્રેલર હંકારતાં બંને ટ્રેલરો વચ્ચે જોરદાર અથડામણ થઇ હતી.
ડ્રાઇવર રામરતન છોટેલાલ મીણા(રહે. નાંગલ રાજાવતાન, જી. દૌસા,રાજસ્થાન)ને ગંભીર ઇજાઓ થતાં ઘટનાસ્થળે જ તેનું મોત નિપજ્યું હતું.જ્યારે અકસ્માત કરનાર ટ્રેલર ચાલક ગાડી લઇને નાસી ગયો હતો. તેની ટ્રેલરની નંબર પ્લેટ તૂટી પડી હતી.
રોડ પર ટ્રકના સ્પેર પાર્ટ્સ અને લોહીથી લથબથ અવશેષો પડ્યા હતા. મૃતદેહને ડીસા પી.એમ. રૂમમાં મોકલાયો હતો. ટ્રેલર માલિક રોહિતદાસ મીણાએ ડીસા તાલુકા પોલીસ મથકે સામેના ટ્રેલર ચાલક સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.