પાલનપુરમાં 6 દિવસ અગાઉ પોલીસ ચોકીમાં જવાબ લખાવવા ગયેલા પૂર્વ કોર્પોરેટર નગરસેવિકા ગુલશનબેન ચુનારાએ પેટ્રોલ છાંટી આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. જેમણે છ દિવસ બાદ મંગળવારે વહેલી સવારે મહેસાણાની લાયન્સ હોસ્પિટલમાં દમ તોડતાં પોલીસે આત્મહત્યા કરવા મજબૂર કરવાની કલમનો ઉમેરો કર્યો છે. પોલીસે અગાઉ આ મામલામાં ત્રણની અટકાયત કરી હતી હજુ બે ફરાર છે જેમની શોધખોળ ચાલી રહી છે.

બુધવારે બપોરે પાલનપુરના જનતાનગર ટેકરા વિસ્તારમાં પડોશીઓ વચ્ચે થયેલા ઝઘડામાં બંને પક્ષોએ પોલીસ મથકે અરજી આપી હતી. આથી 6 દિવસ અગાઉ બંને પક્ષોના વ્યકિતઓને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા. જ્યાં પૂર્વ નગરસેવિકા ગુલશનબેન ચુનારાએ પેટ્રોલ છાંટી છાંટી આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. જેમને ગંભીર હાલતમાં મહેસાણાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. 70 ટકા કરતા વધુ દાઝી જતાં હાલત ગંભીર બની હતી. શુક્રવારે તેમણે બોલવાનું બંધ કરી પરિવારના સદસ્યોને ઓળખી પણ શકતા ન હતા.

તેમાં મંગળવારે વહેલી સવારે ત્રણથી ચાર વાગ્યાના વચ્ચે દમ તોડ્યો હોવાનું નિકટના સૂત્રોએ જણાવ્યું હતું. ગુલશનબેનના મૃતદેહને પાલનપુરના જનતાનગર ખાતેના તેમના નિવાસે લાવવામાં આવ્યો હતો.અગાઉ જ્યાં પોલીસ મથકમાં આત્મહત્યાની કોશિશનો ગુનો દાખલ થયો હતો. તેમાં પોલીસે આત્મહત્યા દુષ્પપ્રેરણની કલમનો ઉમેરો કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

ગુલશનબેનના પુત્ર અહેમદ ચુનારાએ પાલનપુર શહેર પૂર્વ પોલીસ મથકે પાંચ વ્યકિતઓ સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં પોલીસે અઝરૂદ્દીન અલીહુસૈન ચૌહાણ, હીનાબાનુ અઝરૂદ્દીન ચૌહાણ અને આફરીનબાનું અલીહુસૈન ચૌહાણને ઝડપી લીધા હતા. જ્યારે સાકીર દાઉદભાઇ સિપાહી અને ઇમરાન ઇસ્માઇલભાઇ સિંધીની અટકાયત થઇ નથી.