રાધનપુર શહેરના પરા વિસ્તારમાં રહેતો યુવક બાઇક લઇને રાધનપુર પાલનપુર હાઇવે પરથી પસાર થતો હતો તે દરમિયાન વાહનની ટક્કર વાગતાં તેનું મોત નિપજ્યું હતું.
રાધનપુર પરા વિસ્તારમાં રહેતાં ભરતભાઇ રામભાઇ પંચાલ રવિવારના બપોરના સમયે કામ અર્થે પોતાના બાઇક પર રાધનપુર પાલનપુર હાઇવે પરથી પસાર થતા હતા તે દરમિયાન અજાણ્યા વાહન દ્વારા બાઇકને ટક્કર મારતાં બાઇક ચાલક યુવક હવામાં ફંગોળાઇ રોડ ઉપર પટકાતાં તેને ગંભીર ઇજાઓ થઇ હતી.
અકસ્માતની જાણ થતાં આજુબાજુમાંથી દોડી આવેલા લોકોએ લોહી લુહાણ હાલતમાં યુવકને રાધનપુર રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. હોસ્પિટલમાં હાજર ડોક્ટરો દ્વારા તપાસ કરતાં તેનું મોત થયું હોવાનું જણાવ્યું હતું. યુવકના મોતના સમાચાર વાયુવેગે પ્રસરતાં મૃતકના સગા-સબંધીઓ રેફરલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા.