અનુસ્નાતક સંસ્કૃત વિભાગ દ્વારા 'જ્ઞાનસત્ર' નું આયોજન કરવામાં આવ્યું.
અનુસ્નાતક સંસ્કૃત વિભાગ, સરદાર પટેલ વિશ્વવિદ્યાલય દ્વારા તારીખ ૧૦-૧૧/૦૨/૨૦૨૫ ના રોજ દ્વિ-દિવસીય જ્ઞાનસત્રનું આયોજન કરવામાં આવ્યું. જેમાં દશરૂપક, પુરાલિપિ, અભિલેખો અને સંસોધન, યાજ્ઞવલ્ક્યસ્મૃતિ તેમજ ન્યાયસિદ્ધાન્ત- મુક્તાવલી જેવા ગ્રંથો પર વ્યાખ્યાન થયા. જ્ઞાનસત્રના પ્રથમ દિવસે સંસ્કૃત વિભાગના કાર્યકારી અધ્યક્ષ પ્રો.ડૉ. મહેન્દ્ર નાયી સાહેબ દ્વારા આ કાર્યક્રમની ભૂમિકા બાધવામાં આવી હતી. પ્રથમ સત્રમાં પ્રોફે. વિજય કર્ણ (પ્રોફેસર અને અધ્યક્ષ, નવ નાલંદા મહાવિહાર, બિહાર) સાહેબે દશરૂપકગ્રંથ પર સારસ્વત વ્યાખ્યાન આપ્યું હતું. જેમાં તેઓએ કાવ્યના ગદ્ય, પદ્ય, ચમ્પૂ તેમજ દૃશ્ય અને શ્રાવ્ય જેવા ભેદો સમજાવીને વિશદ માહિતી આપી હતી. તદુપરાંત ભરતમુનિનાં નાટ્યશાસ્ત્રની અન્ય ટીકાઓ વિશે પણ ચર્ચા કરી હતી. ધનિક અને ધનંજય દ્વારા નિર્મિત દશરૂપકમાં વસ્તુ, રસ, નેતાને કારણે રૂપકોના દશભેદ પડ્યા છે તેમ જણાવ્યું. પંચસંધિ, પંચ કાર્યાવસ્થા, પંચ અર્થપ્રકૃતિ જેવા નાટયતત્ત્વોની વિવિધ ઉદાહરણોના માધ્યમથી સમજણ આપી હતી. નૃત્ત અને નૃત્યનો ભેદ સમજાવ્યો હતો. તેમજ નાટ્ય અને રૂપકના લક્ષણ સમજાવ્યા હતા. આમ સમગ્ર વ્યાખ્યાન સરળશૈલીમાં રજુ કર્યું હતું.
જ્ઞાનસત્રના પ્રથમ દિવસના દ્વિતીય સારસ્વત વ્યાખ્યાનમાં ઇતિહાસ વિભાગ, સરદાર પટેલ યુનિવર્સિટીના પ્રાધ્યાપક ડૉ.હેમન્ત દવે સાહેબે અભિલેખો અને સંસ્કૃત સાહિત્ય વિષય પર વ્યાખ્યાન આપ્યું હતું. જેમાં લિપિ શબ્દના ઉદ્ભવથી લઈને લિપિના વિકાસસુધીના તમામ તબક્કાઓને સ્પષ્ટ કર્યા હતા. બ્રાહ્મી, ખરોષ્ઠી, દેવનાગરી વગેરે જેવી ૬૪(ચોસઠ) લિપિઓની માહિતી જણાવી હતી. ત્યારબાદ અભિલેખોનો ઇતિહાસ જણાવીને અશોક, રુદ્રદામન, હર્ષવર્ધન, મેઘવાહન જેવા વગેરે રાજાઓના પ્રશસ્તિરૂપે લખાયેલા અભિલેખોની માહિતી આપી હતી. પુરાલિપિ તેમજ અભિલેખોના તજ્જજ્ઞ ભગવાનલાલ ઈન્દ્રજી, ગૌરીશંકર હીરાચંદ ઓઝા, ગેઓર્ક બ્યૂલર, હર્મન ટીકન જેવા વિદ્વાનો વિશે જાણકારી પૂરી પાડી હતી. અજમેર, ધાર, જયપુર જેવા વિવિધ સ્થળોઓ સંસ્કૃતસાહિત્યના પ્રાપ્ત થતા અભિલેખોની વિસ્તારપૂર્વક જાણકારી આપી હતી. આમ, P.P.T ના માધ્યમથી પ્રમાણપૂર્વક સચોટરીતે સંપૂર્ણ વ્યાખ્યાન આપ્યું હતું.
જ્ઞાનસત્રના દ્વિતીય દિવસના પ્રથમ સત્રમાં પ્રોફે. ડૉ.વિજય કર્ણ સાહેબ દ્વારા યાજ્ઞવલ્ક્યસ્મૃતિ પર વ્યાખ્યાન આપવામાં આવ્યું હતું. આ વ્યાખ્યાનમાં વેદથી પ્રારંભ કરીને સ્મૃતિઓના નિર્માણ અને વિકાસ સુધીના ક્રમની વાત કરી હતી. યાજ્ઞવલ્કયસ્મૃતિના આચારાધ્યાય, પ્રાયશ્ચિતાધ્યાયની પ્રારંભિક માહિતી આપ્યા બાદ દ્વિતિયાધ્યાય એવા વ્યવહારાધ્યાય પર ખૂબ ઊંડાણપૂર્વક વ્યાખ્યાન રજૂ કર્યું હતું. વ્યવહાર એટલે શું? સાધારણ અને અસાધારણ વ્યવહાર, દુષ્ટલક્ષણ, વિકૃતિલક્ષણ, ઋણાદાન પ્રકરણ, સાક્ષીપ્રકરણ, ઉપનિધિ પ્રકરણ આમ વિવિધ વિષયોને ખુબ સુંદર રીતે સમજાવ્યા હતા.
જ્ઞાનસત્રના અંતિમ સત્રમાં સારસ્વત વક્તા તરીકે પ્રોફે. મયુરી ભાટિયા (પ્રોફેસર અને અધ્યક્ષ, સંસ્કૃત વિભાગ, ગુજરાત વિશ્વવિદ્યાલય) મેડમે ન્યાયસિદ્ધાન્ત- મુક્તાવલી ગ્રંથ પર ચર્ચા કરી હતી. આ વ્યાખ્યાનમાં તેઓએ પ્રમેય, અનુમિતિ અને પ્રમાણને સ્પષ્ટ કર્યા હતા. દર્શનોના ઉદ્ભવથી લઈને આસ્તિક દર્શન, નાસ્તિક દર્શન એમ ભેદ પાડીને નવદર્શનોની માહિતી આપી હતી. કારિકાવલીની ટીકારૂપે ન્યાયસિદ્ધાંતમુક્તાવલી અને ભાષાપરિચ્છેદ ગ્રંથો લખાયા હતા. ન્યાયસિદ્ધાંતમુક્તાવલીમાં ૦૪ ખંડ અને ૧૬૯ કારીકાઓ છે. તેમજ અનુમાનખંડમાં અનુમાનલક્ષણ, સ્વાર્થાનુમાન, પરાર્થાનુમાન એમ બે ભેદ, પરાર્થાનુમાનની પંચાવયવી પ્રક્રિયા,પક્ષ,સપક્ષ,વિપક્ષ અને હેત્વાભાસ વિશે માહિતી આપી છાત્રોને ન્યાયદર્શનના પ્રવેશરૂપ ગ્રંથથી અવગત કરાવ્યા હતા. આમ સંપૂર્ણ કાર્યક્રમ વિભાગના અધ્યક્ષ ડૉ. મહેન્દ્ર નાયી સાહેબના માર્ગદર્શનમાં યોજાયો. સમગ્ર કાર્યક્રમનું સુચારુ સંચાલન વિભાગના અધ્યાપિકા દેવાંશી ભીંડેએ કર્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સકલન વિભાગના અધ્યાપક ડૉ. પ્રિયંક રાવલે કર્યું હતું. કાર્યક્રમમાં એમ.એ.માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ તથા શોધાર્થીઓએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો.
રીપોર્ટર :અનવર અલી સૈયદ ઠાસરા ખેડા જિલ્લા ગુજરાત.