શક્તિપીઠ અંબાજી ખાતે આગામી ૯ થી ૧૧ ફેબ્રુઆરી દરમિયાન ત્રણ દિવસીય 'શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ-૨૦૨૫'ના આયોજનને લઇને બનાસકાંઠા જિલ્લા કલેકટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને અંબાજી કોન્ફરન્સ હોલ ખાતે પત્રકાર પરિષદ યોજાઈ હતી. 

જિલ્લા કલેકટર પ્રેસ કોન્ફરન્સમાં પત્રકારમિત્રોને માહિતી આપતા જણાવ્યું કે, મુખ્યમંત્રીશ્રી અને વર્તમાન દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના યાત્રાધામ વિકાસ અંતર્ગત શ્રદ્ધાળુઓને એક જ સ્થળે તમામ ૫૧ શક્તિપીઠના દર્શન કરવાનો સુલભ્ય અવસર મળી રહે તે હેતુથી શક્તિપીઠ પરિક્રમાનો પ્રારંભ કરાવ્યો હતો. ચાલુ વર્ષે ૯ થી ૧૧ ફેબ્રુઆરી ૨૦૨૫ દરમિયાન પરિક્રમા મહોત્સવનું આયોજન કરાયું છે, જેમાં શ્રદ્ધાળુઓ ૨.૫ કિ.મી ત્રિજ્યામાં ૫૧ શક્તિપીઠ થકી દર્શનનો લાભ મેળવી શકશે. શ્રદ્ધાળુઓને કોઈપણ પ્રકારની તકલીફ ના પડે તે માટે તમામ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે. જિલ્લા કલેકટરશ્રીએ તમામ ભક્તોને પરિક્રમા મહોત્સવમાં ભાગ લેવા અનુરોધ કર્યો હતો.

વહીવટી તંત્ર અને મંદિર ટ્રસ્ટના સહયોગથી પરિક્રમાની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. આ માટે જિલ્લા કક્ષાની અલગ અલગ ૨૦ જેટલી સમિતિઓ બનાવવામાં આવી છે. સ્વચ્છતા માટે ૪૫૦થી વધુ સફાઈ કામદારો ખડે પગે રહેશે. આ સાથે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ૭૫૦ થી વધુ પોલીસ અને હોમગાર્ડ જવાનો ફરજ બજાવશે. આ સાથે જુદા જુદા જિલ્લામાંથી દર્શનાર્થીઓને આવવા માટે બસ અને નિઃશુલ્ક ભોજનની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સમગ્ર પરિક્રમા સી.સી.ટી.વી કેમેરાથી સજ્જ કરવામાં આવી છે. અંબાજી ટ્રસ્ટ દ્વારા ગામડે ગામડે રથ થકી લોકોને પરિક્રમામાં ભાગ લેવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. અલગ અલગ જિલ્લાના ૧૭૦૦ થી વધુ સંઘો, સાધુ - સંતો, ધાર્મિક આગેવાનોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ સાથે ત્રણ દિવસ દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમો, લોકલ ભજન, ગરબા, રોશની- લાઈટિંગ વગેરેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. 

પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે યોજાનાર 'શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ-૨૦૨૫'માં આદ્યશક્તિ મા અંબાના દર્શને આવનારા લાખો શ્રદ્ધાળુઓને એક જ સ્થળે અને એક સાથે ૫૧ શક્તિપીઠના દર્શનનો લાભ મળશે. આ વર્ષે યોજાનાર આ મહોત્સવમાં ગુજરાત તથા અન્ય રાજ્યોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડશે. આ મહોત્સવમાં ખૂબ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પરિક્રમા કરવા માટે આવશે ત્યારે આટલી મોટી સંખ્યામાં આવતા ભક્તોની તમામ સગવડો અને વ્યવસ્થાઓ સચવાય એ પ્રકારની તૈયારીઓ અને આયોજનને વહીવટી તંત્ર દ્વારા આખરી ઓપ અપાયો છે.