વાવ તાલુકાના દીપાસર ગામેથી લોન આપવાના બહાને વિદેશી નાગરિકોને લલચાવી ફોન ઉપર બેન્ક એકાઉન્ટની માહિતી કઢાવી અલગ-અલગ ચાર્જીસના નામે રૂપિયા પડાવતા કોલ સેન્ટરને બોર્ડર રેન્જ સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા ઝડપી લઇ 16 જેટલા આરોપીઓની ધરપકડ કરી તે શનિવારે ડીસા કોર્ટમાં રજૂ કરી 10 દિવસના રિમાન્ડ માંગતાં કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.કોલ સેન્ટરના આરોપીઓ દિવસે ઉંઘતા અને રાત્રી દરમિયાન છેતરપિંડી આચરતાં હતા.
વાવ તાલુકાના દીપાસર ગામના ભરતસિંહ નાગજીભાઈ વેઝીયાની રજૂઆતના આધારે બોર્ડર રેન્જ સાયબર ક્રાઈમની ટીમે છાપો માર્યો હતો. જ્યાં કોલ સેન્ટર ચલાવતાં આસામ, મિઝોરમ, નાગાલેન્ડ, નેપાળ, અમદાવાદ સહિતના 16 યુવક-યુવતીઓને ઝડપી લેવાયા હતા.
આ અંગે ડી.વાય.એસ.પી. એસ.કે.વારોતરીયાએ જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય પદ્ધતિથી ચાલતા કોલ સેન્ટરની કાર્યપદ્ધતિથી આ કોલ સેન્ટરના સંચાલકો વિદેશી નાગરિકોને લોન આપવાના બહાને ફોન પર લલચાવી તેમની બેન્ક એકાઉન્ટની માહિતી મેળવી અલગ અલગ ચાર્જીસના નામે એકાઉન્ટમાંથી રૂપિયા ઉપાડી લેતા હતા. પોલીસે આરોપીની ધરપકડ કરી 25 થી વધુ લેપટોપ તેમજ અન્ય ઉપકરણો જપ્ત કર્યા છે.
આ કેસમાં વધુ તપાસ ચાલી રહી છે. જેમાં તેઓએ અત્યાર સુધી કેટલા લોકોને કોલ સેન્ટર વડે ફસાવ્યા, હજુ કેટલા લોકો સામેલ છે. તેઓનું અન્ય કોઈ કોલ સેન્ટર ચાલે છે કે કેમ વિદેશમાં કોના દ્વારા સંપર્ક કરતા હતા. સહિતની વિગતો મેળવવાની હોય તમામના ડીસા કોર્ટમાં 10 દિવસના રિમાન્ડ માંગ્યા હતા. ન્યાયાધીશે બે દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે.
કોલ સેન્ટરના મકાનની ફરતે સીસીટીવી કેમેરા લગાવેલા હતા. જે કેમેરા ઇન્ટરનેટથી કનેક્ટ હોવાથી અમદાવાદ બેઠેલા મુખ્ય આરોપી સ્વપનીલ ઉર્ફે સેમ પટેલને જાણ થતા તે ફરાર થવાની સંભાવના સેવાઇ રહી છે.