મહિલા મહાવિદ્યાલય વડોદરામાં વાર્ષિક રમતોત્સવની ઉત્સાભેર ઉજવણી કરવામાં આવી.
મહિલા મહાવિદ્યાલય, વડોદરા ખાતે વર્ષ 2024-25નો વાર્ષિક રમતોત્સવ યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમની શરૂઆત ઉદ્ઘાટન બેઠકથી કરવામાં આવી હતી. કોલેજના આચાર્યશ્રીની અધ્યક્ષતામાં થયેલી ઉદ્ઘાટન બેઠકમાં સ્વાગત વિધિ બાદ વર્ષ 2024-25 ના વાર્ષિક રમતોત્સવમાં યોજાનાર વિવિધ રમતો વિશેની માહિતી જીમખાના કન્વીનર ડૉ. મહેશ ચૌહાણને વિદ્યાર્થીનીઓને આપી હતી. તેમજ બે દિવસથી એ રમતોત્સવમાં તમામ રમતો દરમિયાન ખેલ દિલની ભાવના જળવાઈ રહે તેવી વિદ્યાર્થીનીઓને અપીલ કરી હતી. ત્યારબાદ કોલેજના આચાર્યએ આશિર્વચનો આપી તેમજ પોતાના કોલેજ જીવનની રમતોના સ્મરણો યાદ કરી વિદ્યાર્થીઓના ઉત્સાહમાં વધારો કર્યો હતો અને કોલેજના આ રમતોત્સવને ખુલ્લો મુક્યો હતો.
કોલેજના આચાર્ય ડૉ.પ્રદિપ એસ. જોશીની અધ્યક્ષતામાં યોજાયેલ આ રમતોત્સવમાં સો મીટર દોડ, બસો મીટર દોડ, ગોળાફેંક, ચક્રફેંક, લીંબુ ચમચી, દોરડા કુદ, સંગીત ખુરશી, બેઠી ખો, સિંગલ બેડમિન્ટન અને ડબલ બેડમિન્ટન જેવી વિવિધ રમતો યોજાઈ હતી. આ રમતોમાં કોલેજની વિદ્યાર્થિનીઓએ ઉમળકાભેર ભાગ લઈ પોતાના રમતના કૌશલ્યો પ્રદર્શિત કર્યા હતા. જે વિદ્યાર્થીનીઓએ આ રમતોમાં ભાગ લીધો ન હતો તે વિદ્યાર્થીનીઓએ ભાગ લેનાર વિદ્યાર્થીનીઓના ઉત્સાહમાં વધારો કર્યો હતો.
બે દિવસના આ રમતોત્સવમાં કોલેજના સમાજશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ ડૉ.હસમુખભાઈ પ્રજાપતિ, ગુજરાતી વિષયના અધ્યાપિકા ડૉ. હીરલ પટેલ અને વર્ષાબેન પંડ્યા, હિન્દી વિભાગના અધ્યક્ષ ડૉ. ધનવિદ્યાબેન પટેલ અને ઇતિહાસ વિભાગનાં અઘ્યક્ષ ડૉ. અમિત માછીએ જુદી જુદી રમતોમાં નિર્ણાયક તરીકેની સક્રિય ભૂમિકા ભજવી હતી, સાથે જ વિદ્યાર્થિનીઓને પ્રોત્સાહિત પણ કરી હતી. કોલેજના જુનિયર ક્લાર્ક રિશભભાઇ રાવલ તથા કોલેજના જી.એસ. અને સી.આર. બહેનોએ આ રમતોમાં નિર્ણાયકો સાથે રહી મદદનીશ તરીકેની સક્રિય ભૂમિકા ભજવી હતી. રમતોત્સવના અંતમાં વિવિધ રમતોમાં વિજેતા વિદ્યાર્થિનીઓના નામ જાહેર કરવામાં આવ્યા હતા. આચાર્યશ્રીના માર્ગદર્શન હેઠળ જિમખાના કન્વીનર અને સમાજશાસ્ત્ર વિષયના અધ્યાપક ડૉ. મહેશ વી. ચૌહાણે સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન અને સંચાલન કર્યું હતું. તેમણે આ રમતોત્સવની સફળતા માટે મહિલા મહાવિદ્યાલય, વડોદરા કોલેજની વિદ્યાર્થીનીઓ, નિર્ણાયક તરીકેની ભૂમિકા ભજવનાર કોલેજના અધ્યાપકો, નિર્ણાયકોના મદદનીશ તરીકેની ભૂમિકા ભજવનાર કોલેજની સક્રિય જી.એસ. અને સી.આર.ની ટીમ, તેમજ સમગ્ર કોલેજ પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો.