ડીસા-પાલનપુર હાઇવે પર ભોયણ અને રસાણા વચ્ચે રસાણા કોલેજના સ્કૂલ વાન અને કાર વચ્ચે અકસ્માત થતાં સ્કૂલ વાનમાં પલ્ટી ખાઇ ગઇ હતી. જેથી સ્કૂલ વાનમાં બેઠેલા 7 વિદ્યાર્થીઓને નાની-મોટી ઇજાઓ પહોંચી હતી. જેઓને ડીસા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા.
ડીસા રસાણા કોલેજમાં બી.સી.એ.નો અભ્યાસ કરતાં છાત્રોની ફોર્સ વાન ગાડી વિદ્યાર્થીઓને લઇને રાબેતા મુજબ પાલનપુરથી ડીસા તરફ આવી રહી હતી. ત્યારે રસાણાથી ભોયણ વચ્ચે કાર સ્કૂલ વાન સાથે ધડાકાભેર ટકરાતાં સ્કૂલ વાન પલ્ટી ખાઇ ગઇ હતી. અકસ્માત થતાં સ્થાનિક લોકો દોડીને વિદ્યાર્થીઓને સ્કૂલ વાનની બહાર કાઢ્યા હતા અને 108 વાનને બોલાવીને ડીસા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા. સ્કૂલ વાનમાં સવાર 7 વિદ્યાર્થીઓને નાની-મોટી ઇજાઓ થઇ હતી.
ડીસા નજીક જ્યાં અકસ્માત સર્જાયો ત્યાં નજીકમાં આવેલા વેપારી એકમમાં સી.સી.ટી.વી. કેમેરા લાગેલા હતા. જેમાં ગાડી પલ્ટી ખાઇ રહી હોય તેવો વિડીયો કેદ થઇ ગયો હતો. અને કાર પાછળથી ટક્કર મારી ડીવાઇડર પર આવી ગઇ હતી. જેમાં 2 થી 3 જણા સવાર હતા. અકસ્માતમાં કારમાં બેસેલા કોઇને ઇજા થઇ ન હતી. તમામ ઘટનાસ્થળે કાર મૂકી રવાના થઇ ગયા હતા.
ઇજાગ્રસ્તોના નામ
ખુશીબેન ડી.માળી (ઉં.વ.આ.18)
રાધાબેન સોલંકી (ઉં.વ.આ.27)
મયુરભાઇ સોલંકી (ઉં.વ.આ.20)
પ્રીતિબેન સુથાર (ઉં.વ.આ.18)
રવિનાબેન દેસાઇ (ઉં.વ.આ.18)
અલ્પેશભાઇ સોલંકી (ઉં.વ.આ.18)
ચિન્મય સુથાર (ઉં.વ.આ.19)
પરબતજી ઠાકોર (ઉં.વ.આ. 45)