તળાજાના ટીમાણા ગામે છ દી પહેલા જમીન વિવાદને લઈ પરિવારમાં અણબનાવ હોય અને લગ્ન પ્રસંગ હોય જેનુ મનદુખ રાખી મામા-ભાણેજે ત્રણ યુવક પર હુમલો કરી છરીના ઘા ઝીંકી દેતા એક યુવકનું હોસ્પિટલ બિછાને સારવાર દરમિયાન મોત નિપજતા બનાવ હત્યામાં પરિણામ્યો હતો. જેના પગલે મૃતકના પરિવારજનોએ મૃતકનો કબજો ન સંભાળી આજે જિલ્લા પોલીસવડા પાસે દોડી ગયા હતા. અને ગુનામાં શામીલ અન્ય પાંચ શખસના નામ ઉમેરો કરવાની માંગ કરી હતી. જયારે આખરે આજે સાંજે પરિવારજનોએ મૃતકનો કબજો સંભાળ્યો હતો.

બનાવની જાણવા મળતી વિગતો અનુસાર તળાજા તાલુકાના ટીમાણા ગામે સાઈની વાડી વિસ્તારમાં રહેતા હાજીશા ભીખુશા મોગલ અને તેના નાના ભાઈ સલીમશા ભીખુશા, તૌફિકભાઈ સુલ્તાનભાઈ મોગલ સાથે જમીન ઝઘડાને લઈ બોલેચાલે વ્યહાર ન હોય જેને લઈ લગ્ન પ્રસંગ દરમિયાન ગત તા. ૨૩ના રોજ સલીમ હુસૈનશા મોગલ અને તેના ભાણેજ અક્રમ અલ્તાફભાઈ રફાઈએ ઝઘડો કરી ત્રણેયને છરીના ઘા ઝીંકી દેતા બે યુવકને તળાજા જ્યારે હાજીશા ભીખુશા મોગલ (ઉ.વ. ૩૬)ને ભાવનગર સર.ટી.હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યા તેઓનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા બનાવ હત્યામાં પરિણામ્યો હતો.

ઉક્ત બનાવ અનુસંધાને તળાજા પોલીસ મથકમાંતૌફિકભાઈ સુલ્તાનભાઈ મોગલે ફરિીયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી એક શખસની ધરપકડ કરી લીધી હતી. જો કે મૃતક હાજીશાના પરિવારજનોએ આરોપીઓની ધરપકડની માંગ સાથે હાજીશાનો મૃતદેહનો કબજો સંભાળવા ઈન્કાર કરી દીધો હતો. જેનો આજે પણ પરિવારે કબજો સંભાળ્યો ન હતો. દરમિયાન આજે મૃતકના પરિવારજનો ભાવનગર સર.ટી. હોસ્પિટલથી જિલ્લા પોલીસ વડા પાસે રજુઆત કરવા પહોંચ્યા હતા. અને હાજીશા ઉપર હુમલામાં અન્ય પાંચ શખસ સામેલ હોય જેના નામ એફઆઈઆરમાં દાખલ કરવાની માંગ કરી હતી અને જ્યા સુધી તેઓની માંગ નહી સંતોષાય ત્યા સુધી કબજો સંભાળવાનો ઈન્કાર કરી દીધો હતો. આખરે પોલીસ સાથે સમજાવટના અંતે પરિવારજનોએ મૃતક હાજીશાનો કબજો સંભાળી લીધો હોવાનું હોસ્પિટલ પોલીસ ચોકીથી જાણવા મળ્યુ હતું.