વાવ તાલુકાના ભાટવરવાસ ગામે સોમવારે બનાસ ડેરીનું પશુદાણ લઇ આવેલ ટ્રકમાંથી પશુ દાણની બોરીઓ ઉતારવા ટ્રક ઉપર ચડેલા યુવકનો હાથ જીવંત વીજતારને અડી જતાં કરંટ લાગતાં તેનું ઘટનાસ્થળે મોત નિપજયું હતું.

વાવના ભાટવરવાસ ગામે આવેલ ડેરીમાં કાતરવાથી બનાસ ડેરીનું દાણ લઈ ટ્રક સોમવારે બપોરના સમયે આવી હતી. જે પશુદાણ ભાટવરવાસ ગામે વાવ-સૂઇગામ નેશનલ હાઇવે સાઇડમાં આવેલી દુકાનમાં ઉતારવા શ્રમિકો ટ્રક ઉપર ચડી બોરીઓ ઉતરતા હતા.

બોરીઓ ઉતારતી વખતે શ્રમિક ટ્રકની લોખંડની ઇંગલ ઉપર ઊભા રહી બોરી ઉપાડતાં ઉપરથી પસાર થતી વીજ લાઇનનો તાર ગળાના ભાગે અડી જતાં કરંટ લાગતાં ઘટનાસ્થળે જ શ્રમિક વીજતાર ઉપર ચોંટી ગયો હતો અને કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું.

જેની જાણ યુ.જી.વી.સી.એલ. તેમજ વાવ પોલીસને કરતાં લાઇટ બંધ કરી શ્રમિકના મૃતદેહને પી.એમ. અર્થે વાવ ખસેડાયો હતો. શ્રમિક રાજકુમાર છેદી સરદાર (ઉં.વ. આ. 25) બિહારના સીપોલ જીલ્લાનો હોવાનું વાવ પોલીસે જણાવ્યું હતું.