લાખણી તાલુકાના કેસર ગોળીયા ગામે રહેતાં યુવકે અન્ય ત્રણ ભાગીદારો સાથે મળી કેટલફીડનો ભાગીદારીમાં ધંધો કર્યો હતો. જોકે, એક શખ્સે મિલ્કત બારોબાર વેચી દઇ રૂપિયા અઢી કરોડ અંગત ઉપયોગમાં વાપરી દીધા હતા. આ અંગે તેની સામે ડીસા ઉત્તર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આથી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

લાખણી તાલુકાના કેસરજી ગોળીયાના ભરતભાઇ મુળાજી સુથારે ડીસા તાલુકાના મહાદેવીયા ગામે રહેતાં શિવાભાઇ ત્રિકમાજી સુથાર, નાગજીભાઇ રણછોડભાઇ સુથાર અને ભરતભાઇ મફાભાઇ સુથાર (રહે, ઝેરડા, તા. ડીસા) એ ભેગા મળીને લાખણી તાલુકાના ધૂણસોલ ગામે માલીકીની જમીન ખરીદી કેટલફીડ બનાવવાની ભાગ્યલક્ષ્મી ઇન્ડસ્ટ્રીઝ નામની ફેક્ટરી નાખી હતી. અને ભાગીદારીમાં ધંધો શરૂ કર્યો હતો.

જે ધંધા માટે યુનિયન બેંકમાંથી લોન લીધેલ હતી. અને જે કેટલફીડ ફેક્ટરીનો વહીવટ શિવાભાઇ ત્રિકમાજી સુથારને આપવામાં આવ્યો હતો. જે ધંધામાં નુકશાન ચાલી રહ્યું હોવાનું કહીને કોઇ પણ પ્રકારનો હીસાબ આપતો ન હતો.વીજ કનેક્શનની ડીપોઝીટ રૂ. 25,000 અને રૂ. 6, 74,262 જે રકમ પણ આરોપી શિવાજી ત્રિકમાજીએ બારોબાર ઉપાડી સંયુક્ત માલીકીની મિલ્કત વેચવાની પેરવી કરી રકમ ભાગ્યલક્ષ્મી એગ્રો ઇન્ડસ્ટ્રીઝના ખાતામાં જમા કરાવી હતી.

 જેમાંથી રૂ. 1.25 કરોડ આરોપીએ પોતાના અંગત એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દીધા હતા. જે બાબતની જાણ થતાં ભાગીદાર ભીખાજી સુધારે ડીસા ઉત્તર પોલીસ મથકે શિવાજી ત્રિકમાજી સુથાર સામે કરોડો રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.