મૂળ વડગામ તાલુકાના ધોતા ગામનો અને કચ્છના મુંદ્રા ગામે ખાનગી કંપનીમાં નોકરી કરતા પરિવારનો એક બે વર્ષિય બાળકનું પતંગની દોરીએ જીવ લીધો છે. ઉત્તરાયણના દિવસે પિતા સાથે એકટિવા ઉપર જઈ રહેલા દોરીએ બાળકનું ગળુ કાપી નાખ્યું હતુ. જેને લોહી નીતરતી હાલતમાં હોસ્પિટલમાં ખસેડાયો હતો. જોકે, તબીબે મૃત જાહેર કર્યો હતો. બાળકના મૃતદેહને વતન ધોતા લાવી અંતિમ વિધી કરવામાં આવી હતી.

વડગામ તાલુકાના ધોતાના સુરેશભાઇ અમૃતલાલ અને લીલાબેન સોનીનો પુત્ર હાર્દિક તેની પત્ની આરતીબેન સાથે છેલ્લા બે વર્ષથી કચ્છના મુંદ્રામાં ખાનગી કંપનીમાં નોકરી કરે છે. દંપતી બારોઇ વિસ્તારમાં ઘર ભાડે રાખી પુત્ર યુગ (2 વર્ષ) સાથે રહે છે. દરમિયાન ઉત્તરાયણના દિવસે હાર્દિકભાઇ તેમની એક્ટિવા ઉપર પુત્રને લઇને ઘરે આવી રહ્યા હતા. જેમણે સાવધાની રાખી પુત્ર યુગને એક્ટિવા ઉપર તેમની પાછળ બેસાડ્યો હતો. યુગની પાછળ હાર્દિકભાઇના મિત્ર બેઠા હતા.

તે દરમિયાન અચાનક કપાયેલા પતંગની દોરી વચ્ચે બેઠેલા યુગના ગળામાં જીવલેણ ઘસરકો કરીને પસાર થઇ ગઇ હતી. યુગનું ગળુ કપાઇ જતાં લોહી લુહાણ થઇ ગયો હતો. જેને હાર્દિકભાઇ અને તેમના મિત્ર તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઇ ગયા હતા. જોકે, ગળાની નસ કપાઇ ગઇ હોવાથી યુગનું મોત નિપજ્યું હતું.

માસુમ યુગના મોતથી પરિવારજનો ઉપર દુ:ખના ડુંગર તૂટી પડ્યો હતો. જેના મૃતદેહને વતન ધોતા ગામે લવાયો હતો. જ્યાં બુધવારે અંતિમયાત્રા નીકળી ત્યારે આખુ ગામ હિબકે ચઢ્યું હતુ.

આ અંગે પાલનપુરના ખોડલાના ગિરીશભાઇ સોનીએ જણાવ્યું હતું કે, અમે મુંદ્રા મૃતક યુગનો મૃતદેહ લેવા માટે ગયા હતા. જેના ગળામાં અંદાજે 2 ઇંચ જેટલો દોરીનો ઘા હતો. આ અંગે પાલનપુરના તબીબ ડો. જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, બે ઇંચ ગળુ કપાયું હોય તો શ્વાસનળી અને ધોરીનસ બંને કપાઇ જતાં બાળકનું મોત થયું હશે.

હાર્દિકભાઇ અને આરતીબેન સોનીના પરિવારમાં પુત્ર યુગ પ્રથમ સંતાન હતું. માતા-પિતા અને દાદા દાદીના લાડલા માસુમ યુગનો આવતા રવિવારે 19 જાન્યુઆરી 2025ના દિવસે બીજો જન્મ દિવસ આવતો હોઇ તે ધામધુમથી ઉજવવા માટે તૈયારીઓ કરતા હતા. જોકે, જન્મ દિવસના પાંચ દિવસ અગાઉ જ ભગવાને યુગને તેની પાસે બોલાવી દેતાં પરિવારજનોના જન્મ દિવસ ઉજવવાના ઓરતા અધુરા રહ્યા હતા.