ભારત સરકારના શિક્ષણ વિભાગ હેઠળની નવોદય વિદ્યાલય સમિતિ સંચાલિત પંચમહાલ જિલ્લાના વેજલપુર ખાતે આવેલ જવાહર નવોદય વિદ્યાલયમાં વર્ષ ૨૦૨૫-૨૬ માં ધોરણ ૦૬ માં પ્રવેશ માટેની "જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા ૨૦૨૫" તા.૧૮ મી જાન્યુઆરી,૨૦૨૫ શનિવારના રોજ યોજાનાર છે.
આ પરીક્ષા માટે અરજી કરેલ વિદ્યાર્થીઓના વાલી, શિક્ષકો અને આચાર્યશ્રીઓને જણાવવાનું કે પરીક્ષા પ્રવેશપ્રત્ર માટે નવોદય વિદ્યાલય સમિતિ અને શાળાની વેબ સાઇટ પર મૂકવામાં આવેલ લિંક https://cbseitms.rcil.gov.in/nvs/AdminCard/AdminCard પરથી પ્રવેશપત્ર ડાઉનલોડ કરી શકાશે.
પરીક્ષામાં બેસવા માટે “પ્રવેશ પત્ર (ADMIT CARD)” સાથે લાવવું ફરજિયાત છે. તેમજ જન્મતારીખના પુરાવા માટે આધાર કાર્ડ કે અન્ય કોઈ સરકારી દસ્તાવેજ સાથે લાવી શકાય છે. તમામ વિદ્યાર્થીઓ/ઉમેદવારોએ પરીક્ષા સ્થળે સવારે ૧૦-૩૦ કલાક પહેલા પહોંચવાનું રહેશે. તેમજ જિલ્લામાં કુલ ૩૬ (છત્રીશ) જેટલા પરીક્ષા સ્થળો પર પરીક્ષા યોજાશે જે માટે જિલ્લાના કુલ ૮૯૦૬ જેટલા વિદ્યાર્થીઓએ નોંધણી કરાવી છે તેમ જવાહર નવોદય વિદ્યાલય, વેજલપુરના આચાર્ય દ્વારા એક યાદીમાં જણાવાયુ છે