ડીસાના રસાણા નાના ગામમાં જમીન માલિક 36 વર્ષ પહેલાં મૃત્યુ પામ્યા હતા. જેની જમીન માલિકના બંને ભાઈના દીકરાઓ અત્યારે જમીન ખેડે છે. જમીન માલિક મૃત્યુ પામ્યા હોવા છતાં રસાણા નાના ગામના સરપંચની મદદથી ખોટું નામ ધારણ કરી ડીસાની સબ રજીસ્ટર કચેરીએ ખોટા દસ્તાવેજ બનાવી જમીન બીજાને નામે કરી દેવાઇ હતી. જેથી ડીસા તાલુકા પોલીસ મથકે રસાણા નાના ગામના સરપંચ સહિત 6 શખસો સામે ગુનો નોંધાયો હતો.
ડીસાના રસાણા નાના ગામના માસુંગજી કોળી મૃત્યુ પામતા તેમની જમીન તેમના વારસદાર હમીરજી,સમરાજી, મંગાજી અને ચતુરજીના નામે કરવામાં આવી હતી. જે બાદ ચતુરજી મૃત્યુ પામતા તેમના દીકરા ગજુજી ચતુરજીના નામે જમીન થઈ હતી. ગજુજી 36 વર્ષ પહેલા મૃત્યુ પામતા અને વારસદાર કોઈ ન હોવાથી તેમની જમીન તેમના ત્રણ કાકાના દીકરાઓ ખેડતા હતા.ગજુજીની મરણની નોંધ કરાવેલી ન હોવાથી જમીન રેવન્યુ રેકર્ડમાં ચાલતી હતી.
જે જમીન ગામના જ સરપંચ મંગાજી રેવાજી સોલંકીએ વડગામ તાલુકાના હરદેવાસણા ગામના વીરાજી જેસાજી ડભાડીયાના દીકરા ગજુજી વીરાજી ડભાડીયાએ મૃતક ગજુજી ચતુરજી કોળી છે તેવું ખોટું પ્રમાણપત્ર તથા આધારકાર્ડ અને પાનકાર્ડમાં ડભાડીયા ગજુજી વીરાજી અને કોળી ગજુજી ચતુરજી બંને નામવાળી વ્યક્તિ એક જ છે તેવું ખોટું સોગંદનામું રજૂ કર્યું હતું. અને ગજુજી ચતુરજી કોળી મૃત્યુ પામ્યા હોવા છતાં તેનું ખોટું નામ ધારણ કરી ડીસા સબ રજીસ્ટર કચેરીમાં તા. 17 ઓગષ્ટ-2024 ના રોજ લાખણી તાલુકાના નાના કાપરા ગામના બળવંતજી દલસાજી કોળીના નામે નોંધણી કરાવી હતી.
અને બળવંતજી દલસાજી કોળીએ આ જમીન ડીસા તાલુકાના રાણપુરના ઉગમણાવાસના સનતભાઈ જોશીના નામે કરી દીધી હતી. જેની જાણ જમીન માલિકના ભત્રીજા ગણપતજી ઈશ્વરજી માસુંગજી કોળીને થતાં તેમણે ડીસા સબરજીસ્ટર કચેરીમાંથી દસ્તાવેજની નકલ મેળવતા સમગ્ર ઘટના પ્રકાશમાં આવી હતી.
જેથી શનિવાર તા.11 જાન્યુઆરી-2025 એ જમીન માલિકના ભત્રીજા ગણપતજી ઈશ્વરજી માસુંગજી કોળીએ ડીસા તાલુકા પોલીસ મથકે રસાણા નાના ગામના સરપંચ મંગાજી રેવાજી સોલંકી, ગજુજી વીરાજી ડભાડીયા (રહે.હરદેવાસણા, વડગામ), મહેશ ચૌહાણ (રહે.ડાવસ,ડીસા), અમૃતજી રતુજી (રહે,પાલનપુર), પ્રહલાદજી જુમાજી વાઘેલા (રહે.નાના કાપરા, લાખણી), અશોકજી જવાનજી વાઘેલા (રહે.નાના કાપરા, લાખણી) ની વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ હાથ ધરી છે.