ડીસા તાલુકાના ડાવસ ગામે સરકારી અને ગૌચરની જગ્યામાં કેટલાક લોકોએ સરકારી જગ્યાનો કબજો કરી જગ્યાનો ઉપયોગ શરૂ કરતા ડીસા નાયબ કલેક્ટર કચેરીએ બે દિવસ અગાઉ ગામના વ્યક્તિ દ્વારા રજૂઆત કરાઇ હતી. રજૂઆત કરનાર વ્યક્તિ ઉપર શનિવારે પાંચ શખસોએ હુમલાનો પ્રયાસ કરાતાં ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી.
ડીસા તાલુકાના ડાવસ ગામે સરકારી જગ્યા જે ફોરેસ્ટ વિભાગની જગ્યા તેમજ માજીરાણા સમાજના ખેતરોની વચ્ચે આવેલી છે. તે જગ્યા પર ગામના જ કેટલાક લોકોએ કબજો કરી લીધો છે. તેઓએ આ જગ્યા પર ઝાડ કાપી લોડર તેમજ ટ્રેક્ટર અને પાવડા વડે લેવલ કરી જગ્યાનો ઉપયોગ શરૂ કરતાં ગામના જાગૃત નાગરિક હરજીભાઈ ભૂતડીયાએ આ બાબતે ડીસા નાયબ કલેક્ટર કચેરીએ 9 જાન્યુઆરીએ રજૂઆત કરી હતી.
જે બાબતનું વેર રાખી દિનેશભાઈ ધનરાજભાઈ પાંત્રોડ, જયંતીભાઈ નાનજીભાઈ પાંત્રોડ, અશોકભાઈ નાનજીભાઈ પાંત્રોડ, ડાયાભાઈ સવાભાઈ પાંત્રોડ, ભરતભાઈ ધનરાજભાઈ પાંત્રોડ તમામે મળી હરજીભાઈ શનિવારે જ્યારે પોતાના બાળકોને શાળાએથી લઈને આવતા હતા ત્યારે ધારિયું, લાકડી અને વાંસી વડે હુમલાનો પ્રયાસ કરતા હરજીભાઈ અને તેમના બાળકો નાસી છૂટ્યા હતા.
જેથી આ તમામ શખ્સોએ તેઓને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે બાબતે હરજીભાઈ ભુતડીયાએ પાંચેય શખ્સો સામે ડીસા તાલુકા પોલીસ મથકે તેમજ જિલ્લા પોલીસ વડા, ડીસા નાયબ કલેકટર સહિતને ફરિયાદ કરી છે.