બનાસકાંઠામાં ફૂડ વિભાગની લાલ આંખ, ઘી અને તેલના નમૂનાઓ લેબ ટેસ્ટમાં નિષ્ફળ જતાં કાયદેસરની કાર્યવાહી શરૂ કરાઇ..
બનાસકાંઠા જિલ્લામાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા તાજેતરમાં કરવામાં આવેલી તપાસમાં ચિંતાજનક પરિણામો સામે આવ્યા છે, ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ-2006 અંતર્ગત કરાયેલી તપાસમાં વિવિધ પેઢીઓમાંથી લેવાયેલા ઘી, ખાદ્ય મસાલા અને તેલના નમૂનાઓ માનક ધોરણો પર ખરા ન ઉતર્યા હોવાનું જાહેર થયું છે..
વિભાગે જિલ્લાની અનેક પેઢીઓમાંથી ભેંસ અને ગાયના ઘી, મરચું પાવડર અને રાયડાના તેલ સહિતના ખાદ્ય પદાર્થોના નમૂનાઓ એકત્રિત કર્યા હતા, આ નમૂનાઓની ફુડ લેબોરેટરીમાં કરાયેલી ચકાસણીમાં તેઓ સબસ્ટાન્ડર્ડ અને અસુરક્ષિત જાહેર થયા છે. શંકાસ્પદ જણાતા જથ્થાને તપાસ દરમિયાન જપ્ત પણ કરવામાં આવ્યો હતો..
આ ગંભીર બાબતને ધ્યાનમાં લેતા, વિભાગે ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ-2006 હેઠળ જવાબદાર પેઢીઓ સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. આ કાર્યવાહી લોકોના સ્વાસ્થ્યની સુરક્ષા અને ખાદ્ય પદાર્થોની ગુણવત્તા સુનિશ્ચિત કરવાના હેતુથી કરવામાં આવી રહી છે..