ડીસાના માલગઢ ગોગા ઢાંણીથી સંઘ રાજસ્થાનના ગોદરાવાડા પદયાત્રા જઇ રહ્યો હતો. જે સમયે જાલોર પાસે પાછળથી આવેલા અજાણ્યા વાહને ટક્કર મારતાં સંઘમાં નીકળેલ યુવકનું મોત નિપજ્યું હતું.

ડીસાના માલગઢ ગોગા ઢાંણીથી તા. 1 જાન્યુઆરીએ સવારે શાંતાબેન ઉમાજી સાંખલા પરિવારના ગણપતભાઇના ઘરેથી પગપાળા યાત્રા રાજ રાજેશ્વરી માં સતીમાંના ધામ રાજસ્થાનના ગોદરાવાડા જવા રવાના થયો હતો. જે સોમવારે રાજસ્થાનના જાલોર પાસેથી પસાર થઇ રહ્યો હતો.

ત્યારે સંઘના આયોજન ગણપતભાઇના પુત્ર ભરતભાઇ પણ પદયાત્રામાં જઇ રહ્યા હતા તે સમયે પાછળથી આવેલ અજાણ્યા વાહન ચાલકે અચાનક ટક્કર મારતાં ભરતભાઇને ગંભીર ઇજાઓ થઇ હતી. જેથી તેમને સારવાર અર્થે ખસેડ્યા હતા. જોકે, સારવાર દરમિયાન ભરતભાઇનું મોત નિપજ્યું હતું.

આશાસ્પદ અને નાની ઉંમરે અવસાન થતાં ડીસામાં સમગ્ર માળી સમાજ અને માલગઢ ગામમાં શોક ફેલાયો છે. ઘણા વર્ષ બાદ સંઘની શરૂઆત કરાઇ હતી અને જેમના ઘરેથી સંઘ નીકાળવામાં આવ્યો હતો તેમના ઘરના યુવાનનું અકાળે અવસાન થતાં પરિવારમાં પણ રોક્કળ મચી જવા પામી હતી.