ડીસાના બટાકાના વેપારી પાસેથી માલ લઇ સ્થાનિક વેપારીએ પેમેન્ટ ન ચૂકવતાં તે પેટે આપેલો ચેક રીટર્ન થતાં ડીસાની એડીશનલ ચીફ જ્યુડીશિયલ મેજીસ્ટ્રેટે સ્થાનિક વેપારીને એક વર્ષની કેદની સજા અને રૂ. 2.81 લાખ વળતર પેટે ચૂકવવાનો હુકમ કર્યો છે.

આ અંગેની વિગત એવી છે કે, ડીસામાં ત્રણ હનુમાન રોડ પર પિતૃકૃપા કોમ્પ્લેક્સમાં મેં. હીતેન્દ્રકુમાર એન્ડ કંપની નામની પેઢી ધરાવતાં સુખદેવભાઇ વકતાજી ગેલોત બટાકાનો વેપાર કરવાનું કામ કરે છે. જેમાં ડીસા તાલુકાના દામા (ઠાકોરવાસ) ખાતે રહેતાં અને બટાકાનો વેપાર કરતાં જીવરાજભાઇ લચ્છાજી કચ્છવા પણ બટાકાનો વેપાર કરતાં હોઇ વર્ષ-2020 માં કુલ બે વખત મળી રૂ. 2,81,600 ના બટાકા ખરીદયા હતા. તે પેટે તેમણે ડીસા નાગરીક બેંકનો ચેકનો ચેક મોકલ્યો હતો.

સદર ચેક સુખદેવભાઇ ગેલોતે ખાતામાં ભરતાં જીવરાજભાઇ કચ્છવાના ખાતામાં બેલેન્સ ન હોઇ પરત કરી દેવાયો હતો. જેથી જીવરાજભાઇ કચ્છવાને નોટીસ આપવામાં આવતાં તે પણ સ્વીકારી ન હતી. જેથી તેઓએ ડીસા કોર્ટમાં ચેક રીટર્ન અંગેનો કેસ દાખલ કર્યો હતો.

જે કેસ ચાલી જતાં ડીસા કોર્ટના એડીશનલ ચીફ જ્યુડીશિયલ મેજીસ્ટ્રેટ વાય. એન. પટેલે ફરિયાદી પક્ષના વકીલ કૈલાશભાઇ વી. ગેલોતની દલીલોને ગ્રાહ્ય રાખી હતી. આરોપી જીવરાજભાઇ લચ્છાજી કચ્છવાને ધી નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ-138 ના ગુના માટે એક વર્ષની સાદી કેદની સજા અને હુકમની તારીખથી 30 દિવસમાં ફરિયાદીને રૂ. 2,81,000 ની રકમ ચૂકવી દેવાનો આદેશ કર્યો હતો.

જો આરોપી બાકીની રકમ ન ચૂકવે તો વધુ ત્રણ માસની સાદી કેદ ભોગવવાનો પણ હુકમ કર્યો હતો. આ ઉપરાંત આરોપી ચૂકાદા સમયે હાજર ન હોઇ તેનું પકડ વોરંટ કાઢવાનો પણ આદેશ કર્યો હતો.