ધાનેરામાં ગુરૂવારે સાંજે ધો. 11 ના વિદ્યાર્થીએ ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હતું. ત્યારે શુક્રવાર સાંજે ધાનેરાનાં 19 વર્ષીય જીગર ભેટોરે ખેતરમાં ઝાડે દોરડું બાંધી ફાંસો ખાધો હતો. જેમનું સારવાર દરમિયાન શનિવારની વહેલી સવારે મોત નિપજ્યું હતું. યુવક ધાનેરાની કોલે અભ્યાસ કરતો હતો. જોકે, યુવકે કયા કારણોસર આપઘાત કર્યો તેનું રહસ્ય અકબંધ રહ્યું છે.થોડા દિવસમાં બે વિદ્યાર્થીઓના મોતને લઇ સમગ્ર પંથકમાં અરેરાટી પ્રસરી ગઇ છે.

આ અંગે મળતી માહિતી મુજબ, ધાનેરામાં ડી.બી.પારેખ હાઇસ્કૂલની સામે આવેલ અંબાજી મંદિરની પાછળના ભાગે રહેતા 19 વર્ષીય જીગરભાઈ જગસીભાઈ ભેટોર ધાનેરાની કોલેજમાં બીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો. શુક્રવારની સાંજે અગમ્ય કારણોસર પોતાના ખેતરમાં જઇને ઝાડે લટકી ગળેફાંસો ખાઇ લીધો હતો.

 પરિવારના લોકો સાંજે ખેતરમાં કામ અર્થે જતા હતા ત્યારે તેઓ જોઈ જતા નીચે ઉતારી તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાંથી વધુ સારવાર અર્થે પાલનપુર ખસેડવામાં આવ્યો હતો. જ્યાં શનિવારની વહેલી સવારે સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

ઘરમાં મોટા દીકરાનું આકસ્મિક અવસાન થતાં કુટુંબ,પરિવાર અને મિત્ર વર્તુળમાં ઘેરા શોકની લાગણી છવાઇ હતી. આ બનાવે ચકચાર જગાવી છે.