ડીસાના રામપુરાના પાટિયા નજીક મંગળવારે મોડી સાંજે ઇંટો ભરીને જઇ રહેલા ટ્રેકટરને પાછળથી આઇવા ટ્રકના ચાલકે ધડાકાભેર ટક્કર મારી હતી. જેમાં ટ્રેકટરમાં સવાર ઓઢવા ગામના આધેડનું મોત નિપજ્યું હતું.આ અંગે ફરિયાદ નોંધાતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ડીસાના લક્ષ્મીપુરાથી સિમેન્ટની ઇંટો ભરીને ટ્રેકટર મંગળવારે મોડી સાંજે ઓઢવા ગામ તરફ જઈ રહ્યું હતું. તે દરમિયાન રામપુરા ગામના બસ સ્ટેન્ડ નજીક થરાદ તરફથી પુરપાટઝડપે અને બેદરકારી રીતે ગફલતભરી રીતે ચલાવીને આવેલા આઇવા ટ્રકના ચાલકે આગળ જઈ રહેલ ટ્રેકટરને ટક્કર મારી હતી. જેમાં ટ્રેકટર ચાલકની બાજુમાં બેઠેલા ડીસા તાલુકાના ઓઢવા ગામના નાગજીભાઈ ભેમાભાઈ રાવળ (ઉં.વ..50) રોડ પર પટકાતા તેમને ગંભીર ઇજાઓ થતાં 108 દ્વારા ડીસાની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના ડોકટરે મૃત જાહેર કર્યા હતા.

મૃતક નાગજીભાઇનું ડીસા સિવિલમાં પોસ્ટમોર્ટમ કરી મૃતદેહ વારસદારોને સોંપ્યો હતો. જ્યારે ટ્રેકટર ચાલકનો આબાદ બચાવ થયો હતો. આ અંગે ટ્રક ચાલક વિરોધ ભીલડી પોલીસ સ્ટેશનમાં અકસ્માતે ગુનો નોંધી વધુ તપાસ ભીલડી પી.એસ.આઇ. એ.કે.દેસાઇ ચલાવી રહ્યા છે.