પાલનપુરમાં હનુમાન ટેકરી નજીક એક માસ અગાઉ ટક્કર મારી વૃધ્ધાનું મોત નિપજાવનારા કાર ચાલકને પશ્વિમ પોલીસની ટીમે શોધી કાઢ્યો હતો. પોલીસે નેત્રમ વિભાગની મદદથી અકસ્માતનો ભેદ ઉકેલ્યો હતો.

પાલનપુરમાં રહેતા વિમળાબેન સોમાલાલ સોની એક માસ અગાઉ આબુ હાઇવે નજીક આવેલી હોસ્પિટલમાં તેમના પૌત્ર હાર્દિકના ખબર- અંતર પુછવા માટે ગયા હતા. જ્યાંથી પરિવારજનો સાથે પરત ફરી રહ્યા હતા.

ત્યારે આબુ હાઇવે ઉપર તનુ મોટર્સ આગળ ડિવાઇડર ઉપર ઉભા હતા. દરમિયાન કાર ચાલકે ટક્કર મારી હતી. જેમને ગંભીર ઇજા થતાં પાલનપુર સિવિલ હોસ્પિટલમાં લઇ જવાયા હતા. જ્યાં સારવાર દરમિયાન વિમળાબેનનું મોત થયું હતુ. આ અંગે અશોકકુમાર સોમાલાલ સોનીએ અજાણ્યા કાર ચાલક સામે પશ્વિમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

આ અંગે પી.આઇ. એચ. બી. ધાંધલ્યાએ જણાવ્યું હતું કે, તપાસ દરમિયાન અકસ્માત સર્જનારી કાર સીસીટીવી કેમેરાના ફૂટેજમાં દેખાઇ હતી. આથી નેત્રમ વિભાગના પીએસઆઇ કે. ડી. રાજપૂતની મદદ લઇ કાર નં. જીજે. 01. આર. એક્ષ. 4687ને શોધી કાઢવામાં આવી હતી. જેનો ચાલક પાલનપુર તાલુકાના ખેમાણાનો આરિફખાન સમસુમીયા ચૌહાણની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.