સમગ્ર ગુજરાતમાં અત્યારે પાટણમાં બોગસ ડોક્ટર દ્વારા થયેલી બાળ તસ્કરીના સમાચાર ચર્ચાની એરણ પર છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ એક વર્ષ અગાઉ ડીસા ખાતે નોંધાયેલા બાળ તસ્કરીના ગુનામાં પોલીસને હજુ સુધી DNAનો રિપોર્ટ ન મળતા આરોપીઓ સામે કાર્યવાહી થઈ શકી નથી.

આ અંગેની વિગત એવી છે કે, બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના એક ગામની યુવતીને પોતાના મિત્ર સાથે અનૈતિક સંબંધોના કારણે ગર્ભ રહી જતા યુવતીની એક બોગસ ડોક્ટર દ્વારા ડોક્ટર ડીસાના ભોયણ ખાતે આવેલા ઘરે જ ડીલીવરી કરી દેવામાં આવી હતી.

ડીલીવરી બાદ યુવતીને તેની બાળકી મૃત જન્મી હોવાનું જણાવાયું હતું. જ્યારે હકીકતમાં બાળકીને ડીસાના પ્રકાશભાઈ ઇસરાણી નામના શખ્સને રૂ. 30,000 માં વેચી દેવામાં આવી હતી.

જે બાબતનો ખુલાસો થતા યુવતી બોગસ ડોક્ટર રાઘવ, કિંતુભા, અંકુર રાવળ તેમજ પ્રકાશ ઈસરાની સામે ડીસા ઉત્તર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ આ કેસની તપાસ ડીસા તાલુકા પોલીસને સોંપવામાં આવી હતી. આ બનાવ બન્યા બાદ બાળકીને પાલનપુર શિશુ ગૃહમાં રખાયા બાદ યુવતીને સોંપવામાં આવી હતી. પરંતુ પોલીસે બાળકી અને તેની માતાનો DNA મેચ કરાવવા રિપોર્ટ કરાવવા FSLમાં મોકલેલો છે. જોકે એક વર્ષથી રિપોર્ટ ના આવતા હજુ સુધી આરોપીઓ સામે કોઈ કાર્યવાહી થઈ નથી.

આ બાબતે ડીસા તાલુકા પોલીસ મથકના સૂત્રોએ જણાવ્યું હતું કે, આ કેસ બાબતે હજુ સુધી FSLમાંથી DNAનો રિપોર્ટ આવેલો નથી. તાલુકા પોલીસ દ્વારા FSLમાં અત્યાર સુધી 20 વખત રિમાઇન્ડ લેટર મોકલવામાં આવ્યા છે. પરંતુ FSLમાંથી દર વખતે હજુ સુધી પૃથ્થકરણ થયું નથી તેવો જવાબ મળે છે.

આમ પાટણમાં બાળ તસ્કરીનો કિસ્સો સામે આવ્યો છે. ત્યારે બનાસકાંઠામાં પણ બાળ તસ્કરીના કિસ્સામાં કાર્યવાહી કરવા પોલીસને હજુ સુધી DNA રિપોર્ટની રાહ જોવી પડી રહી છે.