દાંતામાં જ્વેલર્સમાં ચોરી કરવા આવેલા બે શખ્સો રંગેહાથ ઝડપાઈ ગયા હતા. જોકે, આ શખસોએ દરગાહોને પણ નિશાન બનાવવી છે. અમદાવાદથી ચોરેલ બાઈક લઇ ચોરી કરવા આવ્યા હોવાનું પણ બહાર આવતા પોલીસે મુદ્દામાલ કબજે કરી વધુ આકરી પૂછપરછ અને તપાસનો દોર હાથ ધર્યો છે.

દાંતામાં છેલ્લા એક પખવાડિયામાં જુદીજુદી દુકાનોને નિશાન બનાવી રાત્રિના સમયે કોઈ શખસો તસ્કરી કરતા હોવાની વ્યાપક ફરિયાદો ઉઠી હતી. જેને લઈને પીઆઈ એસ.એમ.ચૌધરી સહિત પોલીસ જવાનોએ ટાઉન એરિયામાં નાઈટ પેટ્રોલિંગ અને નાકાબંધી હાથ ધરી હતી.

તે દરમિયાન શનિવારે રાત્રે બે શખસો બાઇક લઈ દાંતાની રઘુવીરસિંહ માર્કેટમાં આવતાં શંકાસ્પદ હાલતમાં પોલીસે ઝડપી લીધા હતા. તેમની પૂછપરછ કરતાં વિનાયક જ્વેલર્સને તોડવા આવ્યા હોઇ તેમની પાસેથી હથોડા, ડિસમિસ પાના તથા અલગ-અલગ ચાવીઓનો ઝુખ્ખો મળી આવ્યો હતો. 

પોલીસે કડક પૂછપરછ કરતા જુદી-જુદી ચોરીઓની કબૂલાત કરવા સાથે ગુનાના કામમાં લીધેલ બાઇક પણ અમદાવાદથી ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું. જેનો ગુનો પણ વેજલપુર પોલીસ મથકે નોંધાયેલ હોઈ પોલીસે તાત્કાલિક મુદ્દામાલ રિકવર કરી બન્ને તસ્કરો દુજાના મેહબૂબભાઈ સેલિયા (ઉં.વ.21, રહે.ગઠામણ,તા.પાલનપુર) તથા મહંમદસૌબાન મહંમદઉંમર સેરસિયા (ઉં.વ.23,રહે.જૂની સેંધણી,તા.વડગામ) ને રિમાન્ડ મેળવી વધુ ઉંડી તપાસ કાર્યવાહી હાથ ધરી છે.

 જોકે, બન્ને શખ્સોએ અજમેરથી માંડી અમદાવાદ સુધીની દરગાહો પર પણ હાથ ફેરો કર્યો હોવાનું બહાર આવી રહ્યું છે. ત્યારે પોલીસ તપાસમાં હજુ પણ વધુ ગુનાઓનો ભેદ ઉકેલાય તેવી આશંકા વર્તાઇ રહી છે.