ભાજપ સાશિત ડીસા નગરપાલિકાના પ્રમુખને હટાવવાની ડીસાના ધારાસભ્ય સહિત પાલિકાના ભાજપના જ કેટલાક સભ્યોની મેલી મુરાદ સામે બ્રહ્મ સમાજ ખફા થયો છે. ડીસામાં આજે બ્રહ્મ સમાજે સ્થાનિક ધારાસભ્ય સામે આક્રોશ વ્યક્ત કરી એકત્રિત થયેલા બ્રહ્મ સમાજે પાલિકા પ્રમુખ તરીકે સંગિતા દવેને હટાવવા માટેના ધારાસભ્ય દ્વારા પ્રયાસ કરવામાં આવતા હોવાના આક્ષેપ કરવા સાથે સંગિતાબેનને ડીસા નગરપાલિકાના પ્રમુખ તરીકે ના હટાવવાની માંગ કરી છે. જો તેઓને હટાવશે તો બ્રહ્મ સમાજ આંદોલન કરશે તેમ જણાવ્યું હતું.

આજે ડીસા ખાતે આવેલી બ્રહ્મસમાજની વાડી ખાતે એકત્રિત થયેલા બ્રહ્મ સમાજના આગેવાનોએ ભાજપ સમક્ષ તેમના સમાજની વફાદારી અંગે ચર્ચા કરી હતી. બ્રહ્મસમાજના આગેવાનોએ જણાવ્યું હતું કે, સ્થાનિક ધારાસભ્ય દ્વારા બ્રહ્મ સમાજને ઘણા સમયથી ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યા છે. ડીસા નગરપાલિકાના પ્રમુખ તરીકે ચાલુ ટર્મમાં સંગીતાબેન દવે પ્રમુખ તરીકે ચૂંટાયા ત્યારથી જ ડીસા ભાજપનું એક જૂથ ધારાસભ્યની સંમતિથી તેઓને હટાવવાના શરૂઆતથી જ પ્રયાસ કરી રહ્યું છે.

આ અંગે બ્રહ્મ સમાજના આગેવાન જગદીશભાઇ દવેએ જણાવ્યું હતું કે, જ્યારે સંગીતાબેન દવેની ડીસા નગરપાલિકાના પ્રમુખ તરીકે વરણી થઈ હતી. ત્યારે જ સ્થાનિક ધારાસભ્યના ઇશારે પાલિકાના સદસ્યો જિલ્લા ભાજપ કચેરી ખાતે પોતાના રાજીનામાં ધરવા માટે પહોંચી ગયા હતા અને અત્યારે પણ સ્થાનિક ધારાસભ્યના ઇશારે જ પાલિકાના સદસ્યો સંગીતાબેનની ટર્મ પૂરી થયા પહેલા જ તેમણે પદ પરથી દૂર કરવા માટે મથી રહ્યા છે.

જ્યારે આ અંગે બ્રહ્મ સમાજના આગેવાન ત્રિકમભાઇ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, અગાઉ ભાજપ દ્વારા પાલનપુર નગરપાલિકાના તત્કાલિન પ્રમુખ હેતલ રાવલને પણ આ જ રીતે તેમની મુદ્દત પૂર્ણ થાય તે પહેલા જ દૂર કરી દેવામાં આવ્યા હતા. ત્યારે પણ બ્રહ્મ સમાજમાં નારાજગી જોવા મળી હતી. પરંતુ બ્રહ્મ સમાજ આ અપમાનનો ઘૂંટડો સહન કરીને ભાજપ સાથે જોડાયેલો રહ્યો છે. ત્યારે એકવાર ફરી સ્થાનિક ધારાસભ્યના ઇશારે ડીસા નગરપાલિકાના પ્રમુખ સંગિતા દવેને દૂર કરવા માટે પેંતરા રચવામાં આવી રહ્યા છે જેને લઈ બ્રહ્મ સમાજ આઘાતમાં છે. ત્યારે આજે એકત્રિત થયેલા બ્રહ્મ સમાજે માગ કરી છે કે સંગીતાબેનને ડીસા નગરપાલિકાના પ્રમુખ પદથી દૂર ન કરવામાં આવે અને જો તેમ કરવામાં આવશે. તો આગામી સમયમાં બ્રહ્મ સમાજ મોટું આંદોલન કરશે.