ડીસા તાલુકાના આસેડા ગામે ખેડૂતના બંધ મકાનમાંથી ધોળા દિવસે તસ્કરો ચોરી કરી રૂ. 15 લાખની રોકડ રકમ અને સોના ચાંદીના દાગીના સહિત કુલ રૂ. 20,32,500 નો મુદ્દામાલ ઉઠાવી જતાં ચકચાર મચી જવા પામી છે.
ડીસા તાલુકાના આસેડા ગામે રહેતા અનિલભાઈ કાનજીભાઈ રબારી ખેતી અને પશુપાલનનો વ્યવસાય કરે છે. દિવસે તેઓના ગામની બાજુમાં આવેલા વાડામાં બનાવેલા તબેલા ઉપર ગયા હતા. જ્યારે તેમના પરિવારજનો ગ્રામ પંચાયત ખાતે આધાર કાર્ડ લિંક કરાવવા ગયેલા હતા તેમજ ઘરની ચાવી અનિલભાઈ પાસે હતી. જેથી તેઓ તેમજ તેમના માતાજી ચારેક વાગે ભેંસો દોહવાના કામમાં વ્યસ્ત હતા ત્યારે તેમના પડોશીનો ફોન આવેલો કે, તમારા ઘરે ચોરી થઈ છે.
જેથી અનિલભાઈ ઝડપથી ઘરે પહોંચી તપાસ કરતાં તેઓના ઘરના મુખ્ય દરવાજાનું નકુચો તોડી કોઈ તસ્કરોએ અંદર પ્રવેશ કરેલી જણાયો હતો. તસ્કરો ઘરમાં દીવાલમાં ચણેલી તિજોરી તોડી સામાન વેરણ કરી દીધેલો હતો. તેઓએ તપાસ કરતા ઘરમાં મુકેલા રૂ. 15 લાખ રોકડા તેમજ સોના અને ચાંદીના અલગ અલગ દાગીનાઓ કિંમત રૂ. 5,32,500 એમ કુલ મળી તસ્કરો રૂ. 20,32,500 નો મુદ્દામાલ ઉઠાવી ગયા હતા.
જે બનાવની અનિલભાઇ રબારીએ ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી પોલીસે ડોગ સ્કવોર્ડ તેમજ એફ.એસ.એલ.ની ટીમને બોલાવી તપાસ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.