પાલનપુરમાં ગણેશપુરામાં આવેલી સેલ્ફ ફાયનાન્સ ઉમિયા એજ્યુકેશન બી. એડ. કોલેજના પ્રમુખ ગિરીશભાઇ જેઠાભાઇ જગાણીયાએ સંચાલક ભરતભાઇ અને તેની પત્ની પુષ્પાબેન સામે રૂ.1.50 કરોડની ઉચાપતની ફરિયાદ નોંધાવી હતી.બે દિવસ અગાઉ સંચાલક ભરતભાઈએ પ્રમુખ ગિરીશભાઇ સામે 60 લાખની ઉચાપતની ફરિયાદ નોંધાવી હતી.

પાલનપુર ગણેશપુરા વિસ્તારમાં વિવિધલક્ષી યુવા વિકાસ ટ્રસ્ટના ટ્રસ્ટી અને પ્રમુખ ગિરીશભાઇ જેઠાભાઇ જગાણીયાએ ઉમિયા એજ્યુકેશન બી. એડ. કોલેજ શરૂ કરી હતી. જોકે, ટ્રસ્ટીઓ ધંધાકીય તથા સામાજીક કાર્યો સાથે સંકળાયેલા હોઇ વર્ષ 2017માં અમદાવાદના ભરતભાઇ બેચરભાઇ બાન્ટયાને રૂપિયા 100ના સ્ટેમ્પ પેપર ઉપર કુલમુખત્યારનામુ કરી કોલેજનો વહીવટ સોંપ્યો હતો. જોકે, મનસ્વી વહિવટ કરતા હોઇ વહીવટ પરત સોંપવા કહેવામાં આવ્યું હતુ જોકે, હવે પછી ટ્રસ્ટની સંમતિથી વહીવટ કરીશ તેવી બાંહેધરી આપતાં વર્ષ 2019માં ફરી કુલમુખ્યતારનામું કરી વહીવટ સોંપવામાં આવ્યો હતો.

જોકે, ભરતભાઇએ તેમની પત્ની પુષ્પાબેન કાયદેસર રીતે આચાર્યની લાયકાત ધરાવતા ન હોવા છતાં બેંકમાં ખાતુ ખોલાવ્યું હતુ.તેણીના નામના સિક્કા અને સહીનો દુરપયોગ કરી કોલેજના સાત અધ્યાપકોના પગારના રૂપિયા તેમજ વિધાર્થીઓની ફીના રૂપિયા 1.50 કરોડની ઉચાપત કરી હતી. આ અંગે ગિરીશભાઇ જગાણીયાએ બંને પતિ - પત્ની સામે પૂર્વ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

બી.એડ કોલેજનું સંચાલન મેળવનાર ભરત બાન્ટયા અમદાવાદની મંગલમ વિદ્યાલય, સરસપુર ખાતે આચાર્ય તરીકે કાર્યરત છે. તેણે દિલ્હી NCTEમાં ઓળખાણ છે તેવી વાતો કરી તેમજ ભાજપના નેતાઓ સાથેના ફોટા દેખાડી તેમની સાથે નજીકનો સંબંધ હોવાની વાતો વહેતી કરી કોલેજોનું સંચાલન કરવાનું કામ મેળવ્યું હોવાનું પણ સામે આવી રહ્યું છે. પાલનપુરની નારાયણી બી.એડ. કોલેજમાં પણ આ જ ભરત બાન્ટયાએ સંચાલન મેળવી પોતાની પત્નીની આચાર્ય તરીકે ઓળખ આપી બેંકમાં ખાતું ખોલાવી રૂપિયા 4 કરોડથી વધુની રકમની ઉચાપત કરી છે. હવે બીજી કોલેજોના સંચાલકો દ્વારા પણ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવશે.

ભરતભાઇએ વર્ષ 2017 થી 2024 દરમિયાન મોટાભાગના વિધાર્થીઓની ફી ટ્રસ્ટના બેંકના ખાતામાં જમા કરાવી ન હતી. વર્ષ 2023- 24 ના કુલ રૂપિયા 73,70,000 પૈકી 56,28,00 જમા કરાવ્યા ન હતા. કોલેજના સાત અધ્યાપકોના પગારની રકમ મળી કુલ રૂ. 1.50 કરોડની ઉચાપત કરી હતી.