રાજ્યમાં બોટાદમાં સર્જાયેલા લઠ્ઠાકાંડ બાદ સરકારે દેશી વિદેશી દારૂના અડ્ડા બંધ કરાવવા આદેશ તો આપ્યો પણ બે દિવસ માત્ર દેખાડો કરી પોલીસે હવે હાથ ઊંચા કરી દેતા ફરી જોરશોરથી અડ્ડા ચાલુ થઈ ગયા છે ત્યારે લોકોમાં પોલીસની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા છે.

છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના ખંડીબારા ગામમાં દેશી દારૂના અડ્ડા પોલીસે બંધ નહિ કરાવતા અહીં બુટલેગરો દ્વારા જાહેરમાં દારૂ ઉતારી વેચવામાં આવતો હોય આખરે ગ્રામજનોએ જાતેજ દારૂના ધંધા બંધ કરાવવાનું નક્કી કર્યું હતું અને ખંડીબારામાં સ્વતંત્રતા દિવસની ઉજવણી આનોખી રીતે ઉજવવા સૌ ગામના શ્રી રામજી મંદિરે એકત્ર થયા હતા અને ત્યાંથી રેલી આકારે દેશી દારૂની ભઠ્ઠીઓ ઉપર પહોંચીને અડ્ડાઓની તોડફોડ કરી દેશી દારૂ સહિતનો સામાન નદીમાં ફેંકી દઈ સ્વતંત્રતા પર્વની અનોખી ઉજવણી કરવામાં આવી હતી.

કવાંટ તાલુકાના ખંડીબારા ગામમાં દેશી દારૂની ભઠ્ઠીઓ ખુલ્લેઆમ ચાલતી હોવા છતાં અહીં પોલીસનો કોઈ ડર જોવા મળતો ન હતો અને દેશી દારૂનું મોટાપાયે વેચાણ થતું હોવાથી ગ્રામજનોમાં રોષ જોવા મળતો હતો, જેને લઇને સ્વતંત્રતા પર્વના દિવસે આ દેશીદારૂ બંધ કરાવવા માટે ગામના લોકો શ્રી રામજી મંદિર પટાંગણમાં ભેગા થઈને દેશી દારૂના અડ્ડા બંધ કરાવવાનું નક્કી કર્યું હતું જે મુજબ ગામમાં રેલી કાઢી દેશી દારૂના અડ્ડા પર જઈ દેશી દારૂની ભઠ્ઠીઓ પર ગ્રામજનોએ હલ્લાબોલ કર્યો હતો. તમામ ભઠ્ઠીઓની તોડફોડ કરીને દેશી દારૂ બનાવવાનો સામાન રામી ડેમની કેનાલમાં પધરાવી દીધો હતો.
દારૂબંધીના આ અનોખા અભિયાનમાં ખંડીબારા ગામના બાળકોથી લઈને યુવાનો અને વૃદ્ધો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા.