ડીસાના કંસારી ગામે સોલાર પ્રોજેકટની વીજલાઈન નાખવાની કામગીરી દરમિયાન એક ખેડૂત પરિવારના ઘર આગળ ખાડો ખોદી દેતા ખેડૂત પરિવારે હંગામા મચાવ્યો હતો. જ્યાં પોલીસ અને કોન્ટ્રાક્ટરના માણસો દ્વારા દાદાગીરી કરવામાં આવી હોવાનો ખેડૂતે આક્ષેપ કર્યો હતો.

ડીસા તાલુકાના કંસારી ગામે કંપની દ્વારા સોલાર પ્રોજેક્ટ અંતર્ગત વીજ લાઈન નાખવાનું કામગીરી ચાલે છે. જેના વીજપોલ નાખવાનું કામ કરણી માતા કન્સ્ટ્રક્શન નામની એજન્સી કરી રહી છે. ત્યારે કંપનીએ ખેડૂતને જાણ કર્યા વિના અને વળતર આપ્યા વિના ઘર આગળ વીજ થાંભલા ઉભા કરવા માટે ખાડા ખોદી નાખતા હંગામો મચ્યો હતો. જેમાં અગાઉ જ્યારે કંપની રમેશભાઈ પરમારના ઘર આગળ આ કામગીરી કરવા માટે આવી હતી ત્યારે ખેડૂત દ્વારા પાંચ દિવસની મુદત માંગવામાં આવી હતી.અને ખેડૂતે કંપનીને કહ્યું હતું કે, અમને પાંચ દિવસની મુદત આપો અમે હાઈકોર્ટમાં અરજી કરેલી છે તેના પુરાવા અમે તમને પાંચ દિવસમાં રજૂ કરીશું.ત્યારે કંપનીના અધિકારીઓએ કહ્યું હતું કે, અમે સોમવારે આવીશું તમે પુરાવા તૈયાર રાખજો. પરંતુ ત્યારબાદ લાભ પાંચમે પરિવાર દર્શનાર્થે ગયેલો હતો. તે દરમિયાન પરિવારની ગેરહાજરીમાં કોન્ટ્રાક્ટ દ્વારા કામગીરી કરી ઘર આગળ ખાડા કરી દીધા હતા.પરિવારજનો આવતા ખોદકામ રોકવા જતા કંપનીના અધિકારીઓએ પોલીસને બોલાવી હતી.

આ અંગે ખેડૂત જેતથાભાઇએ જણાવ્યું હતું કે, પોલીસ અને કોન્ટ્રાકટરના માણસો દ્વારા અમારા પરિવારના સભ્યો સાથે સાથે દાદાગીરી કરી છે.