બનાસકાંઠા જિલ્લામાં લાભપાંચમે માર્કેટયાર્ડ શરૂ થયા હતા. જ્યાં પાલનપુર, ડીસા અને ધાનેરા માર્કેટયાર્ડમાં એક જ દિવસે 91,000 બોરીની આવક થઇ હતી. જોકે, 20 કિલોના રૂપિયા 1000 થી 1300 નો જ ભાવ મળતાં ખેડૂતો નિરાશ થયા હતા.

બનાસકાંઠા જીલ્લામાં દીપાવલીના એક સપ્તાહના વેકેશન બાદ લાભ પાંચમે માર્કેટયાર્ડ ખુલ્યા હતા. જ્યાં મગફળી સહિત ખેતીના પાકની આવક થવા પામી હતી. જોકે, પ્રથમ દિવસે મગફળીના ભાવ ઓછા મળતાં ખેડૂતો નિરાશ થયા હતા.

આ અંગે પાલનપુર માર્કેટયાર્ડના સૂત્રોએ જણાવ્યું હતું કે, લાભ પાંચમે 25,000 મગફળીની બોરીની આવક થઇ હતી. જેનો 20 કિલો દિઠ ભાવ રૂપિયા 1000 થી 1300નો રહ્યો હતો. ડીસામાં 60,000 મગફળીની બોરી જ્યારે ધાનેરામાં 6777 મગફળીની બોરીની આવક થઇ હતી. ત્યાં પણ ભાવ ઓછો મળ્યો હતો.

આ અંગે પાલનપુર માર્કેટયાર્ડમાં માલ વેચવા આવેલા દિનેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, આજે લાભ પાંચમના મુહૂર્તમાં ખૂબ સારી આવક થઇ છે. જોકે, માર્કેટયાર્ડનાં ભાવ રૂપિયા 1300 જ્યારે ટેકાના ભાવ રૂપિયા 1356 છે. ખેડૂતોને ટેકાના ભાવ કરતા ઓછા ભાવ મળતા નિરાશ થયા છે. ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે પાલનપુર માર્કેટયાર્ડમાં લાભ પાંચમે મગફળીના 20 કિલો દીઠ રૂ. 1200 થી 1356 નો ભાવ પડ્યો હતો.

આ અંગે ખેડૂત દિલીપભાઇ પટેલે જણાવ્યું હતું કે, ઓક્ટોબર માસમાં પડેલા પાછોતરા વરસાદના કારણે ગુજરાત રાજ્યભરમાં ખેતીના પાકોને વ્યાપક નુકશાન થયું હતુ. બનાસકાંઠા જીલ્લામાં પણ મગફળી, બાજરી સહિતના પાકોને નુકશાન થયું હતુ. જોકે, સરકારે અન્ય જીલ્લામાં નુકશાનીનું પેકેજ જાહેર કર્યુ હતુ. બનાસકાંઠા જીલ્લામાં ખેડૂતોને સહાય ન આપી અન્યાય કર્યો હતો.

આ અંગે પાલનપુરના વેપારી સંદીપ પટેલે જણાવ્યું હતું કે, બનાસકાંઠા જીલ્લામાં આ વર્ષે 171220 હેકટરમાં મગફળી નું વાવેતર કરાયું હતુ. જેની આવક વધી છે. જોકે, પાછોતરા વરસાદના કારણે દાણની સાઇઝ નાની થઇ ગઇ છે. મગફળીનો દાણો ચિમળાઇ ગયો હોઇ ખેડૂતોને ભાવ મળતા નથી.

બાજરી 110840 હેકટર, જુવાર 3627 હેકટર, મકાઇ 9454 હેકટર, તુવેર 206 હેકટર, મગ 2845 હેકટર, મઠ 36 હેકટર, અડદ 897 હેકટર, મગફળી 171220 હેકટર, તલ 600 હેકટર, દિવેલા 31253 હેકટર, સોયાબીન 365 હેકટર, કપાસ 22567 હેકટર, ગુવાર 3184 હેકટર, શાકભાજી 5107 હેકટર, ઘાસચારો 159828 હેકટર