ડીસાના રામપુરા ગામના આધેડ શનિવારે સવારે ડેરીએ દૂધ ભરાવી ઘરે પરત ફરતા હતા ત્યારે કૈલાશ કોલ્ડ સ્ટ્રોરેજ આગળ ડીસા તરફથી આવતી કારે પાછળથી ટક્કર મારતાં આધેડનું મોત નિપજ્યું હતું. તેમજ અકસ્માત કરી કાર ચાલક કાર મૂકી ફરાર થઇ ગયો હતો.

ડીસાના રામપુરા ગામના લાખાજી મોનાજી જાટ (ઉં.વ આ. 50) શનિવારે સવારે ગામની દૂધની ડેરીએ દૂધ ભરાવવા ગયા હતા. દૂધ ભરાવી પરત આવતી વખતે કૈલાશ કોલ્ડ સ્ટ્રોરેજ આગળ ડીસા તરફથી આવી રહેલ કાર ચાલક નં. જીજે-08-બીબી-4764 એ ગફલતભર્યું ડ્રાઇવિંગ કરી પાછળથી ટક્કર મારતાં લાખાજી રોડની સાઇડમાં જઇ પડ્યા હતા. જ્યાં તેમનું મોત નિપજ્યું હતું.

આ ઘટનાને પગલે લોકો ઉમટ્યા હતા. અકસ્માત કરી ચાલક કાર મૂકી ફરાર થઇ ગયો હતો. જ્યારે પરિવારજનોને જાણ કરાતાં તેઓ દોડી આવી લાશનું ડીસા સિવિલમાં પીએમ કરાવ્યું હતું. આ અંગે ભીલડી પોલીસ સ્ટેશને ફરિયાદ આપતાં પોલીસે અકસ્માતે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.