ડીસાના સદરપુરમાં દૂધ લેવા જવા બાબતે પિતા-પુત્ર વચ્ચે બોલાચાલી થઇ હતી. જેથી પુત્રએ ઉશ્કેરાઇ જઇને પિતાના ખભા પર ઉપરા -છાપરી ધારિયાના બે ઘા મારી ઈજા પહોંચાડી હતી અને નાસી ગયો હતો. જેથી 108 દ્વારા પિતાને ડીસાની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
જ્યાંથી વધુ સારવાર અર્થે પાલનપુર સિવિલમાં ખસેડતા પિતા હજૂ પણ અર્ધબેભાન છે. ધારિયા વડે હુમલો કરીને નાસી ગયેલા પુત્રએ પિતાને મારી નાખવાની ધમકી આપતા ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
સિવાજી ચેલજી સોલંકી જમીને પરિવાર સાથે ઘરની આગળ લીમડાના ઝાડ નીચે ખાટલા રાખીને સૂતા હતા. ગામમાંથી પરત ફરેલા પુત્ર લાખુસિંહને તેના પિતાએ દૂધની થેલી લેવા જવાનું કહેતા પુત્રએ કહ્યું કે, હું મજૂરી કામ કરું છું, મારી પાસે દૂધની થેલી લાવવાના પૈસા ક્યાંથી હોય તેવું તેમ કહેતા પિતાને ખભાના ભાગે ધારીયાના બે ઘા માર્યા હતા.
જેથી સિવાજીએ બૂમાબૂમ કરતા મોટા પુત્ર અને પત્ની જાગી જઈને સિવાજીને વધુ મારથી છોડાવ્યા હતા. સિવાજીને ડીસાની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાંથી વધુ સારવાર અર્થે પાલનપુરની સિવિલ હોસ્પિટલના આઇ.સી.યુ. વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા.