સિહોર સાથે રાજ્યની જનતાને ફરી એકવાર મોંઘવારીનો ડામ આવતીકાલથી લાગવા જઈ રહ્યો છે. અમુલ દૂધમાં પ્રતિ લિટર બે રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. એક તરફ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે. આ સમયે મોટાભાગના લોકો ઉપવાસ રાખતા હોવાથી દૂધનો આહારમાં વધુ ઉપયોગ કરતા હોય છે ઉપરાંત ધાર્મિકવિધિમાંપણ દૂધનો ઉપયોગ કરતા હોય છે. આવા સમયે દૂધનો ભાવ વધતા સામાન્‍ય જનતામાં નારાજગી જોવા મળી છે. ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન, અમૂલના બ્રાન્ડ નામ હેઠળ દૂધ અને દૂધની બનાવટોનું માર્કેટિંગ કરતી કંપનીએ સમગ્ર 

ગુજરાત, દિલ્હી એનસીઆર, પશ્રિમ બંગાળના બજારોમાં આવતીકાલથી દૂધના ભાવમાં પ્રતિ લિટર રૂ. 2 રૂપિયાનો વધારો કરવાનો નિર્ણય લીધો છે. અમૂલ દૂધના ભાવ વધારાથી અમુલ ગોલ્ડની 500 ML ભાવ 31 રૂપિયા થઈ જશે. જ્યારે અમુલ શક્તિ 500 ML.નો ભાવ 28 રૂપિયા થઈ જશે અને અમૂલ તાજા 500 ML 25 રૂપિયા ભાવ થઈ જશે. ઉલ્લેખનીય છે કે, છ મહિનાની અંદર જ અમૂલ દૂધમાં બીજીવાર ભાવ વધારો સામે આવ્યો છે. છેલ્લા એક વર્ષમાં અમૂલ દૂધમાં 6 રૂપિયાનો ભાવ વધારો કરવામાં આવ્યો છે.