ભાવનગર જિલ્લાના કરણીસેનાના ઉપપ્રમુખે સવારે પોતાના ઘરે ઝેરી દવા પી લેતા ભારે ચકચાર મચી જવા પામી છે. ઘટના બાદ કરણીસેનાના ઉપ્રપ્રમુખ એવા રવિરાજસિંહ ગોહિલ (ખદરપર) ના યુવકે રાજકોટના ભાજપના આગેવાન પદ્મિનીબા વાળાના માનસિક ત્રાસથી કંટાળી જઇ ખેતીમાં છાંટવાની ઝેરી દવા પી લઇ આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું સોશ્યલ મિડીયામાં વાયરલ થતાં ભારે ચકચાર જાગી છે. ઘટના બાદ રવિરાજસિંહ ગોહિલને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમની હાલત ગંભીર હોવાનું તબિબો દ્વારા જણાવાયું છે.

       ભાવનગર શહેરમાં રહેતા અને મુળ તળાજા તાલુકાના ખદરપર ગામના અને ભાવનગર જિલ્લાના કરણીસેનાના ઉપપ્રમુખ રવિરાજસિંહ ગોહિલએ આજે સવારે પોતાના ઘરે ઝેરી દવા ગટગટાવી લેતા તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સુત્રોએ જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા સમયથી રાજકોટના મહિલા ક્ષત્રિય આગેવાન પદ્મિનીબા વાળા રવિરાજસિંહ ગોહિલ સાથે કોઇ બાબતે માથાકૂટ ચાલી આવતી હોય તેમાં પદ્મિનીબા વાળાએ અવાર નવાર માનિસક ત્રાસ ગુજારી, અડધી રાત્રે ફોનમાં ધમકી આપી, ખોટા આક્ષેપો કરતા હોય જેમાં રવિરાજસિંહને લાગી આવતા ઝેરી દવા ગટગટાવી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જે બાદ ઘટના સોશ્યલ મિડીયામાં વાયરલ થયેલ.

      ઉલ્લેખનીય છે કે, સુત્રોએ જણાવ્યું હતું કે, રવિરાજસિંહ ગોહિલ (ખદરપર) એ ક્ષત્રિય આંદોલન વખતે ભાજપની એક જાહેર સભામાં તળાજા તાલુકાના યુવા ભાજપ મોર્ચાના ઉપપ્રમુખ પદેથી રાજીનામું ધરી આપ્યું હતું. રવિરાજસિંહ ગોહિલે ઝેરી દવા પીધા બાદ કાળુભા રોડ પર આવેલી રાણા સર્જીકલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. જ્યાં તેની સ્થિતી નાજુક હોવાનું તબિબે જણાવ્યું હતું.