ડીસા તાલુકાના વાસણા (જૂનાડીસા) ગામની દૂધ ઉત્પાદક સહકારી મંડળીના ચેરમેન અને મંત્રી દ્વારા મંડળીની હાથ પરની સિલક રૂ.91,05,310 ની રકમ અંગત ઉપયોગ માટે વાપરી નાખી હોવાથી અને મંડળીને મોટું આર્થિક નુકસાન કર્યું હતું.ગેરરીતિ કરાતા ચેરમેન અને મંત્રીને સાત દિવસમાં રૂ.91 લાખથી વધુની રકમ ભરવાની બનાસ ડેરીએ નોટિસ ફટકારી છે.

ડીસા તાલુકાના વાસણા (જૂનાડીસા) ગામમાં આવેલી સહકારી દૂધ ઉત્પાદક મંડળીમાં છેલ્લા ઘણા સમયથી ચેરમેન અને મંત્રી દ્વારા ગેર વહીવટ કરી મોટી રકમની ઉચાપત કરી હોવાની ફરિયાદ બે માસ અગાઉ ગ્રામજનોએ બનાસ ડેરીને કરી હતી. ઉચાપતને લઈ ગામમાં મોટો હોબાળો સર્જાયો હતો. જેના આધારે બનાસ ડેરી દ્વારા વાસણા દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં 11 ઓગષ્ટ-2024 એ ઓડિટ અને ઇન્સ્પેક્શન કરાવતા મોટી રકમની ઉચાપત બહાર આવી હતી. જેમાં રૂ.91,05,310 ની રકમની અંગત ઉપયોગ માટે વાપરી નાખી હોવાથી અને મંડળીને મોટું આર્થિક નુકસાન કર્યું હોવાથી આ રકમ તાત્કાલિક ભરવા બનાસ ડેરી દ્વારા ચેરમેન અને મંત્રીને નોટિસ આપી છે.

આ ઉપરાંત ઇન્સ્પેક્શનમાં બહાર આવેલી ગેરરીતિઓમાં મંડળીના સરવૈયામાં ગ્રાહકના બાકી રૂ. 5,13,954 ની ઉચાપત થઈ હોવાથી તે નાણાં પણ બેંકમાં જમા કરાવવા તેમજ સરવૈયામાં દર્શાવેલા અન્ય લેણાના રૂપિયા 52,630 જમા કરાવવા તેમજ પેનલ્ટી પેટેના રૂ. 11,654 જવાબદાર કર્મચારી પાસે વસૂલવા પણ નોટિસમાં જણાવ્યું છે.બનાસ ડેરીના એમ.પી. એન્ડ એસ.એસ.વિભાગના ડેપ્યુટી મેનેજરે પાઠવેલી નોટિસમાં મંડળીના ચેરમેન અને મંત્રીને નાણાં સાત દિવસમાં ભરી તેની પહોંચ ડેરીને જમા કરાવવા જણાવ્યું છે.